તાપીમિત્ર ન્યુઝ,સુરત:શહેરના પુણા ગામની સીતા નગર અને તેની આજુબાજુની સોસાયટીમાં સેન્ટ્રલ આઇબી, રાજસ્થાન પોલીસ, એનજીઓ અને પુણાગામ પોલીસે વહેલી સવારે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આંતરરાજ્ય માનવ તસ્કરીનો પર્દાફાશ કરવાની સાથે અંદાજે ૧૨૫થી વધુ બાળકોને મુક્ત કરાવ્યા છે. રાજસ્થાન, ઉદેપુર અને તેની આજુબાજુના વિસ્તારમાંથી ૧૦થી ૧૬ વર્ષના માસુમોને ૧૦૦ રૂપિયાથી લઇ ૫૦૦ રૂપિયામાં સુરત અને રાજ્યના અન્ય જિલ્લામાં લઇ જઇ મજુરી કરાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.
રાજસ્થાન, સુરત પોલીસ અને ચાઈલ્ડ કમિશન દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સુરતના પુણા વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં સવારે ૫ વાગ્યે દરોડા પાડવામાં આવ્યા હતા. સીતારામ, હરિધામ, વિવેકાનંદ સોસાયટીમાંથી બાળમજૂરી માટે લવાયેલા ૧૨૫ જેટલા બાળકોને છોડાવાયા હતા. સ્થાનિક ઉદ્યોગમાં આ બાળકો પાસે કામ કરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. વહેલી સવારે સયુંક્ત ઓપરેશનથી દોડધામ મચી ગઈ હતી અને સીતારામ સોસાયટી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. કેટલાક દલાલો અને વચેટીયાઓની પણ અટકાયત કરી પુણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. હાલ તો ૧૨૫ બાળકોને પણ પુણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે અને તમામને રાજસ્થાન પરત લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રાજસ્થાન સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સડો. શૈલેન્દ્ર પંડ્યા એ જણાવ્યું હતું કે, રાજસ્થાન સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ અને બચપન બચાવ આંદોલન તેમજ સ્ત્રી અંસારા વિકાસ સંસ્થાએ મળીને તપાસ કરી હતી. જેમાં સુરતની પુણા વિસ્તારની સીતારામ સોસાયટી સહિતની સોસાયટીઓમાં બાળકો પાસે મજૂરી કામ કરાવવા માટે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પરના ગામડાઓમાંથી બાળકોની તસ્કરી થતી હોવાનું બહાર આવ્યું હતું. આ ત્રણેય સંસ્થાઓએ ૧૦ દિવસ સુધી રેકી કરી તમામ પુરાવા ભેગા કર્યા હતા. ત્યારબાદ રવિવારે સવારે સુરત, રાજસ્થાન પોલીસની મદદથી સીતારામ સોસાયટીમાં સર્ચ ઓપરેશન કર્યું જેમાં ૧૨૫થી વધુ બાળકો મળી આવ્યા છે. માનવ તસ્કરી કરનાર દલાલો પણ પકડાયા છે. તમામ વિરુદ્ધ ચાઈલ્ડ પ્રોટેક્શન એકટ મુજબ કાર્યવાહી થશે. માનવ તસ્કરીને લઈને બન્ને રાજ્યોના અધિકારીઓ આ બાબતે એક બેઠક પણ કરશે.વધુમાં ડો. શૈલેન્દ્ર પંડ્યાએ જણાવ્યું હતું કે, સુરતની પુણા વિસ્તારની સીતારામ સોસાયટી સહિતની સોસાયટીઓમાં બાળકો પાસે મજૂરી કામ કરાવવા માટે લાવવામાં આવ્યા હતા. તમામ બાળકો ૧૦-૧૬ વર્ષની ઉંમરના હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતની બોર્ડર પરના રાજસ્થાનના ગ્રામીણ અને શહેરી વિસ્તાર ઉપરાંત ઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના માસુમોને ૧૦૦ રૂપિયાથી ૫૦૦ રૂપિયામાં ખરીદી સુરત સહિત ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં કાળી મજુરી કરાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે બાળકો ખૂબ જ દયનીય હાલતમાં મળી આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500