તાપીમિત્ર ન્યુઝ,સુરત:સુરત મનપાના આવાસમાં ફલેટ અપાવવાની લાલચ આપી પાંચથી છ જણા પાસેથી રૂ.૬.૪૫ લાખ પડાવી લઇ આવાસ ફાળવણીનો બોગસ લેટર બતાવી ત્રણ મહિનામાં ફલેટનો કબ્જો મળી જશે તેવો વાયદો કરનાર ચીટર વિરૂધ્ધ મામલો રાંદેર પોલીસ મથકમાં પહોંચ્યો છે. રાંદેર રોડ ઝોન ઓફિસ પાછળ સુજાતા સોસાયટીમાં રહેતા અને ફેબ્રિકેશન વર્ક કરતા સંજય શાંતિલાલ મહેતાએ અભય સોમચંદ શાહ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. સંજય મહેતાને તેમના મિત્ર બશીર રાણા હસ્તક અભય શાહ સાથે પરિચય થયો હતો અને તેણે સુરત મનપાના આવાસમાં ફલેટ અપાવવાની વાત કરી હતી. જેથી સંજયે તેના મિત્ર નજીમુલ્લા હક્કખાન અને અમીરખાનને મકાન લેવું હોવાથી તેમનો સંર્પક કરાવ્યો હતો. અભયે બંન્ને પાસેથી રોકડા રૂ.૪૦ હજાર, આધારકાર્ડ અને બે ફોટા લીધા હતા અને ચાર દિવસ પછી સુમન શાંતિ ટી.પી ૩૦ ફાયનલ પ્લોટ ૨૩ના ફલેટ જેની કિંમત રૂ. ૮ લાખ અને રૂ. ૫૦ હજાર મેઇન્ટેનન્સના મળી રૂ. ૮.૫૦ લાખની કિંમતના ફાળવણી લેટરની ઝેરોક્ષ કોપી આપી હતી અને ઓરિજનલ લેટર બેંક લોન માટે જરૂરી હોવાથી પોતાની પાસે રાખ્યો હતો અને એફિડેવીટ માટે રૂ. ૫૦-૫૦ હજાર મળી રૂ. ૧ લાખ લીધા હતા અને ત્રણ મહિના પછી રાંદેર ગોરાટ રોડ આસોપાલવ સોસાયટી પાછળ પ્રધાનમંત્રી આવાસમાં મકાનનો કબ્જો મળી જશે એમ કહ્યું હતું. આજ રીતે અભય શાહે હીનાબેન હરેશ ચોકસી પાસેથી ટુકડે - ટુકડે રૂ. ૧.૩૫ લાખ, રાકેશ શાહ પાસેથી રૃ. ૧.૭૦ લાખ, માધવ ચૌહાણ પાસેથી રૃ. ૧.૨૦ લાખ અને અનદેશ ભગત પાસેથી રૂ. ૭૦ હજાર લઇ તમામને આવાસ ફાળવણી લેટરની ઝેરોક્ષ કોપી બતાવી ત્રણ મહિનામાં મકાનનો કબ્જો મળી જશે એમ કહ્યું હતું. જોકે ત્રણ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતા મકાનનો કબ્જો નહિ મળતા અભયને કબ્જો અપાવવાની માંગણી કરતા તેણે વધારે ડાહ્યા બનવાની જરૂર નથી એમ કહી ફોન કટ કરી નાંખ્યો હતો. જો કે અનદેશ ભગતે પૈસાની માંગણી કરતા તેણે એકટિવા મોપેડ આપ્યું હતું અને પૈસા આપી પરત પણ લઇ ગયો હતો. જો કે ત્યાર બાદ અભયે વાયદા પર વાયદા કરતા છેવટે આ અંગે અભય શાહ વિરૂધ્ધ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આવાસ અપાવવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવી લેનાર અભય શાહે હીનાબેન હરેશ ચોકસી, રાકેશ શાહ , માધવ ચૌહાણ , અનદેશ ભગત ઉપરાંત સાબેરા અસ્લમ શેખ , સાલેહા અબુબકર પટેલ , સાહિસ્તા પટેલ , અંસાર પ્યારૂ મનીયાર , શહેનાઝ કુરેશી, નિશાર મનીયાર , નીતાબેન કોસંબીયા , મીનાબેન ચોધરી , શકીલાબેન રાણા , હીનાબેન ચૌધરી ઉપરાંત અન્ય ૧૦ થી ૧૨ જણા ભોગ બન્યા હોવાની આશંકા છે. રોકડા રૂપિયા લઇ ગયાના ચારથી પાંચ દિવસમાં આવાસ ફાળવણી લેટરની ઝેરોક્ષ બતાવી બેંક લોન માટે ઓરીજનલ કોપી પોતાની પાસે રાખનાર અભય શાહે તમામને ત્રણ મહિનામાં ફલેટનો કબ્જો મળી જશે તેવો વાયદો કર્યો હતો. પરંતુ એક પણ વ્યક્તિને ફલેટનો કબ્જો નહિ મળતા અને અભયે પણ સંતોષકારક જવાબ નહિ આપતા લાખો રૂપિયા ગુમાવનારા લોકો મનપાના ચોકબજાર મુગલીસરા સ્થિત ઓફિસે પહોંચ્યા હતા. જયાં અભયે આપેલી આવાસ ફાળવણી રસીદની ઝેરોક્ષ બતાવતા તે બોગસ હોવાનું ખુલ્યું હતું.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500