Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાંસદ પ્રભુભાઇ વસાવાની આગેવાની હેઠળ ૧૦ દિવસીય ‘ગાંધી સંકલ્પ યાત્રા’નું બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે સમાપન

  • October 21, 2019 

તાપીમિત્ર ન્યુઝ,બારડોલી: સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં તેમજ સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાની આગેવાની હેઠળ તાપી જિલ્લાના સોનગઢથી પ્રારંભ થયેલી ‘ગાંધી સંકલ્પ યાત્રા’નું  બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે સમાપન થયું હતું. પદયાત્રાને ગ્રામજનો દ્વારા ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. સ્વરાજ આશ્રમ ખાતે પ્રાર્થના, ગાંધીવંદના અને ગાંધીજીની તસ્વીરને પુષ્પાંજલિ દ્વારા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, ગાંધીજી એ વ્યક્તિ નહીં, પરંતુ વિચારધારા છે. છેવાડાના માનવીઓમાં ઉત્થાન માટે અંત્યોદયને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા ગાંધીના ‘સર્વોદય’ના સિધ્ધાંતનું અનુસરણ કરી ગાંધીજીની આદર્શ વિચારધારાને વેગ આપ્યો છે. સમગ્ર વિશ્વ ગાંધીજીને પ્રેરણાસ્ત્રોત માનીને ઉચ્ચ વિચારો અને સાત્વિક જીવનશૈલીથી પ્રભાવિત છે, ત્યારે ગાંધીજીના શાશ્વત વિચારોથી નવી પેઢી અવગત અને સમાજ જાગૃત્ત થાય તેવા આશયથી સમગ્ર દેશમાં નવી ચેતના જાગી હોવાનું જણાવી તેમણે ઉપસ્થિત સૌને ગાંધીજીના આદર્શ જીવનમાંથી પ્રેરણા લઇ તેમના વિચારોને જીવનમાં ઉતારવાનો અનુરોધ કર્યો હતો. સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાએ ૧૦ દિવસની પદયાત્રાને ભવ્ય પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવતાં ગાંધીજીને યુગપુરૂષ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ગાંધી વિચારધારામાં તમામ વૈશ્વિક તથા સામાજિક સમસ્યાઓનું સમાધાન છે. ગાંધીજીના મૂલ્યો નિરંતર પ્રેણાદાયી અને પથદર્શક છે, જે માનવીને ઉત્તમ અને ઉન્નત જીવન જીવવાની શીખ આપે છે. સમગ્ર વિશ્વમાં આ મહામાનવની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગાંધી મૂલ્યોના માર્ગે ચાલી રાજ્ય અને દેશના વિકાસમાં યોગદાન આપવાનું આહ્વાન કર્યું હતું. ગાંધી સંકલ્પ યાત્રામાં સૌને જોડાનાર સૌ કોઈ ગાંધીપ્રેમી અને રાષ્ટ્રપ્રેમીઓનો શ્રી વસાવાએ આ તકે આભાર પ્રગટ કર્યો હતો. ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત ગાંધી વિચારોને લોકો સુધી લઈ જવા માટે દેશના તમામ સાંસદોને પોતપોતાના વિસ્તારોમાં ‘ગાંધી સંકલ્પ યાત્રા’ યોજવા માટે વડાપ્રધાન મોદીએ કરેલી અપીલના અનુસંધાને મહાત્મા ગાંધીજીના આદર્શો અને સિદ્ધાંતો લોકો સુધી સર્વજન સુધી પહોંચે એ હેતુથી યોજાયેલી પદયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. પદયાત્રાના રૂટ પર ઠેર ઠેર પદયાત્રિકોનું ફૂલોથી સ્વાગત કરાયું હતું. પદયાત્રા દરમિયાન રૂટ પર આવતા ગામડાઓમાં સ્વચ્છતા જાળવવા, ગાંધીજીના વિચારોને અનુસરવા, પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી પ્રદૂષણમુક્ત ભારતના નિર્માણ માટેના સામૂહિક શપથ લીધા હતા. આ પદયાત્રા દરમિયાન રૂટમાં આવતાં તમામ ગામોમાં વૃક્ષારોપણ, સામાજિક સમરસતા સભા, સિંગલ યુઝ પ્લાસ્ટિકની મુક્તિ અંગે સંકલ્પ, જનસંપર્ક જેવા કાર્યક્રમો યોજી ગાંધીજીના આદર્શોને અને જીવનમૂલ્યો ઉજાગર થાય તેવા પ્રયાસો કરાયા હતા. આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા, ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાવડીયા, પ્રદેશ મહામંત્રીશ્રી ભરતસિંહ પરમાર, જિલ્લા સંગઠન પ્રમુખશ્રી દિલીપસિંહ રાઠોડ, શહેર પક્ષ પ્રમુખશ્રી નીતિનભાઈ ભજીયાવાલા, સુમુલ ડેરીના ચેરમેનશ્રી રાજુભાઈ પાઠક, અગ્રણીશ્રી ભાવેશભાઈ પટેલ, દર્શિનીબેન કોઠીયા સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application