Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિધાનસભા જેવી ભૂલ લોકસભામાં નથી કરવાની : સી.આર પાટીલ

  • April 05, 2024 

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી હવે વટની લડાઈ બની છે. વટ કોનો પડશે તે તો સમય બતાવશે. પરંતું ભાજપના પ્રદેશ પ્રમુખ લોકસભાની દરેક બેઠક પર 5 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ સેટ કરીને બેસ્યા છે. આ ટાર્ગેટનો ભાર હવે ભાજપના મજૂરિયા કાર્યકર્તાઓ પર પડી રહ્યો છે. એક તરફ ભાજપમાં ભરતી મેળો, પક્ષપલટો, રૂપાલા વિવાદથી ભડકો થયો છે. ત્યાં બીજી તરફ પાટીલે કાર્યકર્તાઓને ટકોર કરી કે, વિધાનસભા જેવી ભૂલ લોકસભામાં નહિ કરતા. જોકે, પાટીલની આ ટકોર હવે કાર્યકર્તાઓ માટે ધમકી જેવી બની રહે છે. 5 લાખની લીડનો ટાર્ગેટ લાવવાનો ભાર મજૂરિયા કાર્યકર્તાઓ પર મૂકાયો છે. પાટીલ દરેક સભામાં કાર્યકર્તાઓને 5 લાખની લીડ લાવવા કહી રહ્યાં છે.  સુરતમાં એક કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પેજકમિટીના સભ્યોને ટકોર કરતા કહ્યું કે, વિધાનસભા જેવી ભૂલ લોકસભામાં નહિ કરતા.


વિધાનસભામાં કેટલીક સીટો ઓછા માર્જિનથી હાર્યા છે. કોંગ્રેસના કાર્યકર્તા ભાજપ સામે લડવા આનાકાની કરી રહ્યા છે. કોંગ્રેસનો કોઇ નેતા સીધો લડવા તૈયાર નથી. કોંગ્રેસના નેતા એમને જબરજસ્તી કરવી પડશે. મતદાન ન થાય ત્યાં સુધી જંપીને બેસતા નહિ. 5 વાગ્યા સુધી મતદારોને મતદાન મથકમાં ઘુસાડી દેજો. જે ભૂલ 26 સીટો પર કાર્યકર્તાઓએ કરી તે ભૂલ હવે નહિ કરતા. આ વખતે ઇતિહાસ સર્જવાની તક છે. આજે ગુરુવારે આણંદ જિલ્લાનું બૂથ પ્રમુખ સંમેલનમાં પાટીલે કાર્યકર્તાઓને કહ્યું કે, બુથના પમુખો નેતૃત્વ લે. દરેક ઘરની મુલાકાત લેજો. બપોરના સમયે કોઈના ઘરે જઈ ડિસ્ટર્બ નાં કરતા. દરેક ઘરે જઈ ભાજપની ઝંડી લગાવજો. દરેક પેજનાં ઘરે જઈ વડીલોને વંદન કરજો. સરકારની યોજનાઓનાં લાભાર્થીઓને સંપર્ક કરજો. દિવ્યાંગ અને વડીલોનો સંપર્ક સાધજો. 26 એ 26 સીટ પર હેટ્રિક કરવાની છે. આ વખતે તમને કહેલાં પાંચ કામ ચીવટથી કરશો, તો પાંચ લાખની લીડ આસાન થઈ જશે. ભાજપના સ્થાપના દિવસ પહેલા પ્રથમ રાઉન્ડમાં ઘરે ઘરે ઝંડી લગાવી દેજો.


74 લાખ પેજ પ્રમુખનાં ઘરના 2.22 કરોડ મત પડે તો કૉંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ જમા થઈ જાય. આ વખતે તાકાત લડાવી દો અને કામમાં આળસ કરતા નહિ. દરેકથી તાકાત બનતી હોય છે.  ગઈકાલે સીઆર પાટીલે ભાજપ ના કાર્યકર્તા જોગ સંદેશ આપ્યો હતો. તેમણે ટ્વીટ કરીને કાર્યકર્તાઓને મેસેજ પાઠવ્યો હતો. તેમણે લખ્યું હતું કે, પ્રિય કાર્યકર્તાશ્રીઓ, હું પ્રમુખ બનીને આવ્યો ત્યારે મેં કહેલું-8માંથી 8 સીટ જીતીશું. આ આંઠે-આઠ સીટ તમે લોકોએ જ જીતીને બતાવી. તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકાનું ઇલેક્શન આવ્યું ત્યારે પણ મેં તો દાવો કરી દીધો કે 90 ટકાથી વધુ સીટ જીતીશું-આપણે 90.5 ટકા સીટ જીત્યા...જીલ્લા પંચાયતની 31માંથી 31 સીટ આપણે જીતી લીધી. મારી પાસે અધ્યક્ષ પદે કોઇ જાદુઇ લાકડી નથી. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓની આ તાકાત હતી અને એના આધારે મેં આવા નિવેદનો કર્યા હતા. એ નિવેદનો તમે સાચા પાડ્યા, ભવ્ય જીત મેળવી. એ જીતનાં અધિકારી પણ તમે જ છો. મને વિશ્વાસ છે કે લોકસભાની આ ચૂંટણીમાં પાંચ લાખથી વધુની લીડ સાથે છવ્વીસે છવ્વીસ સીટ જીતવાનાં મારા નિવેદનને પણ તમે સાચું જ પાડવાનાં છો...!!



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application