ડાંગ જિલ્લાની બોર્ડર નજીક આવેલા નવાપુર તાલુકાનાં ઉકાળાપાણી ગામ પાસે એક બાઈક પુલની રેલિંગ સાથે અથડાઈ નીચે ખાબકતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલા શિંગાણા ગામનાં યુવકને ગંભીર ઈજા થવાથી કરુણ મોત નીપજ્યું હતું જ્યારે તેની પાછળ બેઠેલા યુવકને ઈજા પહોંચી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુબીર તાલુકાના શિંગાણા ગામમાં રહેતો જિગ્નેશભાઈ સોમાભાઈ પવાર (ઉ.વ.૨૪)એ પોતાની બાઈક પર તેના મિત્ર વિનેશભાઈ લાક્ષુભાઈ પવાર (રહે. કોઠંબા, તા. આહવા, જિ.ડાંગ) સાથે બુધવારે બપોરે ૧:૩૦ વાગ્યે બાઈક પર સવાર થઈ નવાપુરથી શિંગાણા ગામે તેના ઘરે જતો હતો. તે દરમિયાન ઉકાળાપાણી ગામ પાસેથી પસાર થતી વખતે તેણે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા તેની બાઈક પુલ પર બનાવવામાં આવેલી સિમેન્ટની રેલિંગ સાથે અથડાઈ પુલના નીચે પડી ગઈ હતી.
જેમાં બાઈકને પણ નુકસાન થયું હતું. જિગ્નેશભાઈને શરીરે ગંભીર ઈજા પહોંચવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા વિનેશભાઈને ઈજા પહોંચી હતી. જે સારવાર અપાઈ હતી. બનાવ અંગે ગણેશભાઈ રમેશભાઈ સુર્યવંશી (ઉ.વ.૨૯, રહે.શિંગાણા, તા.સુબીર, જિ.ડાંગ)એ નવાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મૃતકના વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500