મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારાનાં કપુરા ગામની સીમમાં કેનાલ પાસે આવેલ નાના પુલકા પાસે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં મોટર સાઈકલ પર સવાર ડોલવણ તાલુકાનાં મંગળીયા ગામે રહેતા એક યુવકનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જયારે એકને ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ, રાહુલભાઈ ચીમનભાઇ પવાર (ઉ.વ.૧૮) અને વિજયભાઇ રામુભાઇ ભીલ (ઉ.વ.૧૯) (બંને રહે.મંગળીયા ગામ, તળાવ ફળીયું, ડોલવણ) નાઓ ગુરુવારનાં રોજ હોન્ડા સાઇન મોટર સાઈકલ નંબર GJ/26/Q/5862 ઉપર ડબલ સવારીમાં પલસાણાથી મંગળીયા ઘરે જતા હતા.
તે સમયે મોટર સાઈકલ વિજયભાઇ ચલાવતો હતો અને તેની પાછળની શીટ ઉપર રાહુલભાઈ બેસેલ હતો. તે દરમિયાન પોતાના કબ્જાની મોટર સાઈકલ પુરઝડપે અને ગફલતભરી હંકારી અચાનક સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી રોંગ સાઇડે કપુરા ગામની સીમમાં કેનાલ પાસે આવેલ નાના પુલકાની જમણી બાજુની દિવાલ સાથે મોટર સાઈકલ અથડાવી દેતા વિજયભાઈનાં છાતીનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું, જયારે રાહુલભાઈને શરીરે ડાબા હાથ ઉપર ફેકચર, ખભાનાં ભાગે તથા દાઢીનાં ભાગે ઇજા પહોંચી હતી. બનાવ અંગે વ્યારા પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500