માંડવીના વીસડાલીયા ગામે કોલોની ફળિયામાં રહેતા મહેન્દ્ર ઉર્ફે પકો કોટવાળિયાએ જાન્યુઆરી 2022ની રાત્રીના સમયે ક્રીમ ડુંગરા ગામે નિશાળ ફળિયામાં રહેતી 12 વર્ષની બાળકીનું મોઢું દબાવી ઘરમાંથી ઊંચકી જઈ ખેતરમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે દાખલ કરેલા બળાત્કાર અને પોક્સોના ગુનામાં બારડોલી સેશન્સ કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવી વીસ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આ ચકચારી કેસમાં આરોપીને કોર્ટે સખત કેદની સજા કરતા બાળકીના પરિવારજનો ન્યાય મળ્યો છે.
આ કેસની હકીકત એવી છે કે, નર્મદાનાં ડેડિયાપાડા તાલુકાનાં ખુપરગામનો વતની મહેન્દ્રભાઈ ઉર્ફે પકો માનસિંગભાઈ કોટવાળિયા માંડવીના વીસડલીયા ગામની કોલોની ફળિયામાં રહે છે. તેણે ગત તારીખ 23-01-2022નાં રોજ રાત્રીના 2 વાગ્યે માંડવીના કીમ ડુંગરા ગામના નિશાળ ફળિયું ખાતે સંબંધીના ઘરેથી 12 વર્ષ અને 3 માસની છોકરીનું મોઢું દબાવી બળજબરીથી ઊંચકીને ખેતરમાં લઈ ગયો હતો.
તેણે બાળકીને મારી નાંખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસ બરાડોલીની સેશન્સ કોર્ટમાં ચાલી જતા એ.પી.પી. નિલેશ એચ. પટેલની દલીલ અને રજૂ થયેલ પુરાવાઓ ધ્યાને લઈ આરોપી મહેન્દ્ર ઉર્ફે પકોને બારડોલીના છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ રોબીન પી.મોગેરાએ બળાત્કારના ગુનામાં તકસીરવાર ઠેરવી વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 10,000 દંડ, જો દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદની સજા તથા અપહરણ, ધમકી સહિતના ગુનામાં પાંચ પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 5-5 હજારનો દંડ, જો દંડ ન ભરે તો વધુ 6-6 માસની સાદી કેદની સજા તથા પોક્સો એક્ટની બે કલમ હેઠળ 10 અને વીસ વર્ષની સખત કેદ તથા રૂ.10-10 હજારનો દંડ અને દંડ ન ભરે તો એક-એક વર્ષની સાદી કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500