Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપીમાં જુની અદાવત રાખી યુવકની હત્યા કરનારને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

  • November 27, 2024 

વાપીમાં રેલવે સ્ટેશનની ગોદી પાસે એક ૨૮ વર્ષીય યુવકની જુની અદાવતમાં હત્યા કરવાની ઘટનાના આરોપીને વાપીની થર્ડ એડિશનલ સેશન્સ કોર્ટે તકસીરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ સાથે જ આરોપીને ૯ હજારનો દંડ પણ કરાયો હતો.


આ કેસ અંગે મળતી વિગતો એવી છે કે, વાપી રેલવે સ્ટેશનની ગોદીમાં ગત તારીખ ૨૮/૧૦/૨૦૨૨નાં રોજ મોહમદ અબ્દુલ મોહમંદ અંજાર શેખ (ઉ.વ.૨૮) નામના શ્રમજીવીને જુની અદાવત રાખીને મનોજ ઉર્ફે ટકલીયા ફૂલચંદ ગુપ્તાએ માથામાં લાકડાથી ફટકા માર્યા હતા. જેને કારણે મોહમદ અબ્દુલ મોહમંદ અંજાર શેખ લોહીલુહાણ થઈ ગયો હતો. હુમલાની ઘટનાને અંજામ આપી મનોજ ગુપ્તા બાઈક ઉપર સવાર થઈને નાસી છૂટયો હતો. આ ઘટનાને મૃતકના મિત્રો કાલુ ઉર્ફે ગૌરવ, ગંગા સુનીતા સર્વે તથા રાજુ યાદવ વગેરેએ નજરે જોઈ હતી. તેમણે મૃતકના પિતાને જાણ કરી હતી.


તેથી મોહમદ અબ્દુલ મોહમંદ અંજાર શેખના પિતાએ ઘટના સ્થળે પહોંચીને ૧૦૮ બોલાવી હતી. ૧૦૮નાં સ્ટાફે સ્થળ પર પહોંચીને અબ્દુલને મૃત જાહેર કર્યો હતો. આ મામલે વાપી રેલવે પોલીસ મથકમાં હત્યાના ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. બાદમાં તેની સામે ચાર્જશીટ રજૂ થયા બાદ મામલો વાપીની થર્ડ એડિશનલ સેશન્સ કોર્ટમાં રજૂ થયો હતો. આ કેસની સુનાવણીમાં સરકારી વકીલ રાકેશ ચાંપાનેરીયાએ ધારદાર દલીલો રજૂ કરી હતી. જેને ગ્રાહ્ય રાખીને વિદ્વાન ન્યાયધીશ પુષ્પા સૈનીએ આરોપીને હત્યાના ગુનામાં તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા કરી હતી. તથા રૂપિયા ૯ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application