Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે દિવસ બાદ ફરી મેઘરાજાની સવારી શરૂ,કામરેજમાં ૩ ઇંચ વરસાદ

  • August 30, 2020 

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી છે. સુરત શહેર બે ઇંચ,કામરેજ,માંગરોળ  અને વલસાડના ઉમરગામમાં ૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વાહનચાલકોને વરસતા વરસાદમાં હેડ લાઈટ ચાલુ રાખીને નીકળવાની ફરજ પડી છે. દક્ષિણ ગુજરાતના પાંચેય જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ઉકાઈના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતાં પાણીની આવક ઓછી થઈ હોવા છતાં ડેમની સપાટી રૂલ લેવલથી વધીને ૩૩૫.૧૯ પર પહોંચી છે.

 

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મધરાત બાદ ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સુરત શહેરમાં પડેલા વરસાદથી રેલવે ગરનાળાઓમાં બેથી ત્રણ ફુટના પાણી ભરાય ગયા હતા.છેલ્લા ૧૨ કલાકમાં સુરત જિલ્લામાં કામરેજમાં સૌથી વધુ ૭૫ મીમી વરસાદ પડ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ઓલપાડમાં ૯ મીમી છે જ્યારે ચૌર્યાસીમાં  ૪૦ મીમી, મહુવામાં ૨૮મીમી,માંડવી ૧૯મીમી,પલસાણામાં ૩૦મીમી,સુરત શહેરમાં ૫૦ મીમી વરસાદ નોંધાયો છે. વિતેલા ૨૪ કલાક દરમિયાન નવસારીમાં ૮૪મીમી વરસાદ અને જલાલપોરીમાં ૭૩ તથા વાંસદામાં સૌથી ઓછો ૧૦મીમી વરસાદ પડ્યો છે. ડાંગના વઘઈમાં વરસાદ પડ્યો નથી જ્યારે સાપુતારામાં ૨૪મીમી વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરગામમાં સૌથી વધુ ૭૯ મીમી અને કપરાડામાં ૪૦મીમી વરસાદ પડ્યો છે.

 

તાપીના વાલોડમાં ૩૩મીમી અને નિઝરમાં ૦૧ મીમી વરસાદ નોંધાયો છે.ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પાર કરીને ૩૩૫.૧૯ ફૂટ પર પહોંચી ગઈ છે. શનિવારે બપોરના ૧૨ વાગ્યે ઉકાઈ ડેમમાં પાણીની આવક ૪૯,૬૧૪ ક્યુસેક નોંધવામાં આવી છે. ઉકાઈમાંથી હાલ હાઈડ્રો મારફતે કેનાલમાં ૧૭,૮૩૪ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ ડેમની સપાટી રૂલ લેવલને પાર કરી ગઈ હોવાથી તંત્ર પણ વિમાસણમાં છે કે પાણી ભરવું કે નહી કારણે છોડવામાં આવે અને વરસાદ ન પડે તો ડેમ ખાલી રહે અને સપ્ટેમ્બર મહિનામાં ડેમના રૂલ લેવલમાં વધારો થવાનો છે ત્યારે મહિનાની આખરમાં તંત્ર વરસાદ વચ્ચે મૂંજવણમાં મુકાયું છે.આ ઉપરાંત જીલ્લામાં પડેલા વરસાદથી વિયર કમ કોઝવેની સપાટીમાં વધારો થતા હાલ સપાટી૭.૦૭ મીટરે પહોચી છે.જયારે કાકરાપારડેમની સપાટી ૧૬૨.૬૦ ફુટ પર પહોચી છે.તેમાંથી ૨૫૬૦૦ કયુસેક પાણી છોડાય રહયુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application