ગાંધીનગનાં કલોલ તાલુકામાં રહેતી સગીરાનું 6 વર્ષ અગાઉ અપહરણ કરીને બળાત્કાર ગુજારવાના કેસમાં આરોપી અને તેના સાગરીત સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ થયા બાદ કલોલ સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને પુરાવાને ગ્રાહ્ય રાખી કોર્ટે મુખ્ય આરોપી અને તેના સાગરીતને અપહરણ અને બળાત્કારના ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આ અંગે મળતી વિગતો પ્રમાણે, કલોલનાં ગામોમાં રહેતી 17 વર્ષિય સગીરાની ગત તા.16 નવેમ્બર 2016નાં રોજ બનાસકાંઠાના સીહોલી તાલુકાના આંકોલી ગામમાં રહેતા ગુલાબજી જયંતીજી ઠાકોર અને દિયોદર તાલુકાના રીયા ગામમાં રહેતી રસીકજી જયંતીજી ઠાકરો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ સગીરાને આનંદપુરા ગામે લઇ જઇને ખેતરની ઓરડીમાં ચાર દિવસ સુધી ગોંધી રાખીને ગુલાબજી ઠાકોર દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જે સંદર્ભે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ કલોલ સેશન્સ કોર્ટમાં એડી. સેશન્સ જજશ્રી એ.એ.નાણાવટીની કોર્ટમાં ચાલ્યો હતો જ્યાં સરકારી વકિલ આર.એલ પટેલ દ્વારા ભોગ બનનાર ફરિયાદી તેમજ તપાસ અધિકારી જુબાની લેવામાં આવી હતી.
તેમજ કોર્ટમાં પુરાવા રજુ કરીને સમાજમાં દિન પ્રતિદિન બનતી આ પ્રકારની ઘટનાઓને પગલે આરોપીઓને સખતમાં સખત સજા કરવા માંગણી કરી હતી જેના અનુસંધાને કોર્ટે અપહરણ અને બળાત્કારનાં ગુનામાં ગુલાબજી ઠાકોરને 10 વર્ષની સખત કેદ અને આ ગુનામાં મદદગારી કરનાર આરોપી રસીકજી ઠાકોરને પણ 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500