ગાંધીનગરનાં માણસા તાલુકામાં આવેલા ગલથરા ગામેથી બે વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરી રાજસ્થાન લઇ જઇ તેની ઉપર બળાત્કાર ગુજારનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર સ્પે.કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં સરકારી વકિલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને પોક્સોનાં ગુનામાં 10 વર્ષની કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. મળતી માહિતી અનુસાર, માણસાનાં ગોલથરા ગામે બે વર્ષ અગાઉ ખેડાના સોજાલી ગામનો યુવાન બુધાજી માવાજી ચૌહાણ કાકાના ઘરે રહેવા માટે આવ્યો હતો.
તે દરમિયાન તેણે ગામમાં રહેતી 15 વર્ષિય સગીરાને લલચાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લીધું હતું. જેમાં પ્રાંતિજ-હિંમતનગર થઇ રાજસ્થાનનાં નાકોર ગામે સગીરાને લઇ ગયો હતો. જ્યાં તેણીની મરજી વિરૃધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. બનાવ અંગે માણસા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ આરોપી યુવાન અને સગીરાને રાજસ્થાનથી લઇ આવી હતી.
જયારે આ કેસ ગાંધીનગર સ્પે.પોક્સો જજ એસ.ડી.મહેતાની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકિલ સુનિલ એસ. પંડયાએ ભોગ બનનાર ફરિયાદી તેમજ સાહેદોની જુબાની લીધી હતી. સરકારી વકિલે દલીલો કરી હતી કે આરોપીએ ગંભીર પ્રકારનો ગુનો આચર્યો છે. સમાજમાં સગીરવયની બાળકી-કિશોરીઓ સામે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે તેથી સમાજમાં દાખલો બેસે તે રીતે આરોપીને સજા કરવામાં આવે જેના અનુસંધાને પોક્સોના ગુનામાં કોર્ટે આરોપીને 10 વર્ષની કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ ભરવા હૂકમ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500