વાપીનાં ડુંગરા પોલીસ મથકે નોંધાયેલા સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાના કેસમાં વાપી પોક્સો એક્ટ હેઠળના કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવી ૨૦ વર્ષની કેદ તથા ૧૦ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ બે માસની સજા ફરમાવતો હુકમ કર્યો હતો. બનાવની વિગત એવી છે કે, વાપી ખાતે ૬/૧૦/૨૦૨૨નાં રોજ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં જણાવાયું હતુ કે, ફરિયાદીની સગીરવયની દીકરીને પેટમાં દુખતું હોવાથી તેને વાપીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ તપાસ કરાવાતા તેણીના પેટમાં ત્રણ માસનો ગર્ભ હોવાનું નિદાન થયું હતું.
આ અંગે આ સગીરાને માતા-પિતાએ પૂછતાં તેણીએ જણાવ્યું હતુ કે, તેના ઘર નજીક રહેતા એક શખ્સે એકલતાનો લાભ લઈ તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. સગીરાની કેફિયત બાદ તેના પિતાએ આરોપી શાન મહોમ્મદ ગોબરેખાન સામે ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે આરોપી શાન મહોમ્મદની ધરપકડ કરી હતી અને તેની સામે ચાર્જશીટ રજુ કરી હતી. ત્યારબાદ મામલો વાપી પોક્સો એક્ટ હેઠળનાં કોર્ટેમાં ચાલ્યો હતો. તેની સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીએ ધારદાર દલીલો રજુ કરતા તે ગ્રાહ્ય રાખીને વિદ્વાન ન્યાયાધીશ તરુણ આહુજાએ આરોપી શાન મોહંમદ ગોબરેખાન (ઉ.વ.૨૮., રહે.ડુંગરા, ડુંગરી ફળિયા, તા.વાપી,વલસાડ)ને દોષિત જાહેર કર્યો હતો.
આ સાથે જ જજે આ કેસના આરોપીને IPCની કલમ ૩૭૬(૨) (N)નાં ગુનામાં વીસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા દસ હજાર દંડ અને જો દંડ નાં ભરે તો વધુ બે મહિનાની સાદી કેદની સજા કરતો આદેશ કર્યો હતો. ઉપરાંત IPCની કલમ ૩૭૬(૩)નાં ગુનામાં આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા દસ હજાર દંડ, અને જો દંડ નાં ભરે તો વધુ બે મહિનાની સાદી કેદની સજા તથા પોકસો ઍક્ટ કલમ. ૬નાં ગુનામાં વીસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા દસ હજાર દંડ અને જો દંડ નાં ભરે તો વધુ બે મહિનાની સાદી કેદની સજાનો હુકમ કરાયો હતો. વધુમાં ભોગ બનનાર કિશોરીને ગુજરાત વિક્ટીમ કમ્પેન્સસન સ્કીમ હેઠળ કુલ છ લાખ રૂપિયા વળતર અને આરોપીએ ભરેલા દંડની કુલ રકમ રૂપિયા ત્રીસ હજાર મળી કુલ રૂપિયા ૬,૩૦,૦૦૦/- ભોગ બનનારને વળતર તરીકે ચુકવવાનો હુકમ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500