મિત્રના GST નંબર પર વેપાર કરતા કાપડ વેપારીને પરેશાન નહીં કરવા સલાબતપુરા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલે માંગેલી રૂપિયા 75 હજારની લાંચને સ્વીકારતા તેના વચેટીયાને એ.સી.બી.એ પોલીસ સ્ટેશન નજીક છટકું ગોઠવી ઝડપી લીધો હતો. એ.સી.બી.ની કાર્યવાહીની જાણ થતા હેડ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો હતો. એ.સી.બી.નાં સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સુરતના સલાબતપુરા માર્કેટ વિસ્તારમાં દુકાન ધરાવતા કાપડ વેપારી તેમના મિત્રના GST નંબર પર વેપાર કરે છે.
આ અંગે જાણ થતા સલાબતપુરા પોલીસ મથકમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ નાથુભાઇ ભવાનભાઇ ચૌધરી અને તેનો વચેટીયો અબ્દુલ ગની સરદારભાઇ શેખ (ઉ.વ.49, રહે.ઘર નં.303, સંજર સોસાયટી વિભાગ-3, હલીમા રેસીડન્સી પાસે, ઊન ગામ, સુરત) ગત 29 ડિસેમ્બરના રોજ વેપારીની દુકાન પર ગયા હતા અને કહ્યું હતું કે તમે બીજાના જીએસટી નંબર પર ખોટો વેપાર કરો છો. આ અંગે તમારા વિરુદ્ધ અરજી થઈ છે.તેમાં કાર્યવાહી નહીં કરવી હોય અને પરેશાન નહીં થવું હોય તો રૂપિયા 75 હજાર આપવા પડશે.
વેપારીએ પૈસા આપવાની તૈયારી દાખવતા હેડ કોન્સ્ટેબલ નાથુ ચૌધરીએ પૈસા તેમના વચેટીયા અબ્દુલ ગની શેખને આપી દેવા કહ્યું હતું. જોકે લાંચ આપવા નહીં માંગતા વેપારીએ આ અંગે સુરત એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપતા સુરત એ.સી.બી.નાં ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.આર.સકસેનાના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય એ.સી.બી.નાં પી.આઈ. આર.કે.સોલંકી અને સ્ટાફે ગતરાત્રે સલાબતપુરા ભગતસિંહ ચોકથી બારડોલી પીઠાની ગલીના નાકે મારવાડીની ચાની દુકાનની સામે છટકું ગોઠવ્યું હતું. તે મુજબ વેપારીએ હેડ કોન્સ્ટેબલ નાથુ ચૌધરી સાથે ફોન પર વાત કર્યા બાદ તેની સૂચનાથી રોડ ઉપર જ વચેટીયાને લાંચના રૂપિયા 75 હજાર આપ્યા અને તેણે સ્વીકાર્યા તે સાથે જ એ.સી.બી.એ વચેટીયાને ઝડપી લીધો હતો. આ અંગે જાણ થતા હેડ કોન્સ્ટેબલ નાથુ ચૌધરી ફરાર થઈ ગયો હતો. એ.સી.બી.એ ગુનો નોંધી વચેટીયાના એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500