Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતના પોલીસ બેડામાં ખળભળાટ : કચ્છ CID ક્રાઈમમાં 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ

  • February 18, 2024 

ગુજરાતના પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પશ્ચિમ કચ્છ CID ક્રાઈમમાં 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં પશ્ચિમ કચ્છના તત્કાલીન SP, DYSP, PSI સહિત ઇલેક્ટ્રોથર્મના માલિકો સામે ફરિયાદ નોંધાઈ છે. પશ્ચિમ કચ્છ CIDએ વર્ષ 2015ના બનાવ અંગે ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનીય છે કે, એન્કાઉન્ટરના કેસો બાદ IPS અધિકારીઓ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ પહેલા ફરિયાદીએ વર્ષ 2019માં ગુજરાત હાઈકોર્ટમાં અલગ અલગ અરજી કરી હતી. જેને પગલે હાઇકોર્ટે 10 ઓક્ટોબર, 2019ના રોજ ગુનો દાખલ કરવા આદેશ કર્યો હતો. પરંતુ આરોપીઓ તેની સામે સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે લઈ આવ્યા હતા. આ સ્ટે 16 જાન્યુઆરી 2024ના રોજ ઉઠી ગયો હતો.


જેથી હાઇકોર્ટના 10 ઓક્ટોબર, 2019ના હુકમના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પશ્ચિમ કચ્છ CIDએ તત્કાલીન PSI એન. કે. ચૌહાણ, તત્કાલીન Dysp વી. જે. ગઢવી, તત્કાલીન Dysp ડી.એસ.વાઘેલા તત્કાલીન Dysp આર. ડી. દેસાઈ, તત્કાલીન એસપી જી.વી બારોટ, તત્કાલીન એસ.પી. ભાવના પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે CID ક્રાઇમના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો હતો અને ફરિયાદીએ ફરિયાદ આપી છે. જે સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ વર્ષ 2015ના સમયની મેટર છે હાલ અમે ગુનો દાખલ કર્યો છે. ફરીયાદ પ્રમાણે પરમાનંદ શીરવાણી 2011માં ઈલેક્ટ્રોથર્મ કંપનીમાં નોકરી લાગ્યા હતાં. ત્યારબાદ તેઓ નોકરી કરવા નહીં માંગતા હોવાથી તેમણે રાજીનામું લખી આપ્યું હતું.


પરંતુ કંપનીએ તેમને નોકરીમાંથી મુક્ત કર્યા નહોતા. કંપનીના માલિકોએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેના નામની પેઢી ખોલવાનું કહી તેમને અમદાવાદ આવવાનું કહ્યું હતું. આ દરમિયાન કંપનીના માણસોએ તેમનું પિસ્તોલ બતાવીને અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેમને કંપનીના બંગલા, ઓફિસ અને ફાર્મ હાઉસમાં ગોંધી રાખવામાં આવ્યા હતાં. તેમજ તેમને માર પણ મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફરિયાદી અને એક મહિલા પાસે બળજબરીથી કોરા કાગળો પર સહીઓ કરાવી અને મિલકત પણ લખાવી લીધી હતી. તે ઉપરાંત 20 લાખ રોકડા અને 10 લાખના સોનાના દાગીના ફરિયાદીની માતાના ઘરેથી બળજબરીથી પડાવી લીધા હતાં. માત્ર એટલું જ નહીં મારી નાંખવાની ધમકી આપીને રોકડા 10 લાખ પણ બળજબરીથી મેળવી લીધા હતાં.


વર્ષ 2015થી શરૂ થયેલા આ સમગ્ર મામલે અપહરણ અને ખંડણીની ગંભીર પ્રકારની ફરિયાદ પુરાવા સાથે આપવા છતાં પૂર્વ કચ્છ-ગાંધીધામના તત્કાલીન એસપી IPS જી.વી.બારોટ અને IPS ભાવનાબેન આર.પટેલ સહીત ત્રણ ડેપ્યુટી એસપી ડી.એસ.વાઘેલા, વિજય ગઢવી અને આર.ડી.દેસાઈ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.ચૌહાણ દ્વારા સતત ક્લોઝિંગ રિપોર્ટ આપીને કઈ જ થયું નથી તેવું રટણ કરવામાં આવતું હતું. આ સમગ્ર મામલામાં જેટલી ગંભીર ભૂમિકા શૈલેષ ભંડારી અને તેના માણસોની છે તેટલી જ ભૂમિકા પોલીસ અધિકારીઓની છે. છતાં સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસમાં વિપરીત અસર થશે એવા રૂપાળા બહાના હેઠળ તેમના 000 નામ આપવામાં આવ્યા નથી. વર્ષ 2015થી આ કેસ ચાલી રહ્યો છે. ફરીયાદી દ્વારા પોલીસ સ્ટેશનથી માંડીને ગાંધીધામ એસપી કચેરી, ગાંધીનગર ડીજીપી ઓફિસ અને ગુજરાત હાઇકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટના પગથિયાં ઘસી નાખ્યા છે.


ત્યારે પોલીસને કેસની ગંભીરતા ન દેખાઈ હતી. પરંતુ હવે જયારે કોર્ટના આદેશને પગલે પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધવો પડ્યો છે. ત્યારે ભુજ CID ક્રાઇમને તેમાં ગંભીરતા દેખાઈ રહી છે. પોલીસ કેટલી હદે ઈલેક્ટ્રો થર્મ કંપનીના શૈલેષ ભંડારીને છાવરી રહી હતી કે, SITની રચના બાદ પણ તેમાં ડેપ્યુટી એસપી આર.ડી.દેસાઈએ કોઈ જ ગુનો બન્યો નથી એવો ક્લોઝિંગ રીપોર્ટ ભરી દીધો હતો. પૂર્વ કચ્છના એસપી તરીકે IPS જી.વી.બારોટ જયારે કાર્યરત હતા. ત્યારે ગાંધીધામમાં રહેતા એક મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા અઘટિત માંગણી કરીને છેડતી કર્યાની ફરિયાદ પણ કરી હતી. અલબત્ત જેમાં તેમને કોર્ટે પાછળથી નિર્દોષ જાહેર કર્યા હતા. જી.વી.બારોટની જેમ અન્ય પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.


તેવા અંજારના તત્કાલીન DySP ધનંજય વાઘેલા ઉર્ફે ડી.એસ.વાઘેલા સામે પણ તેઓ જયારે અંજાર હતા. ત્યારે વ્યાપક ફરિયાદો કરવામાં આવી હતી. લાંબા સમય સુધી વાઘેલા અહીં ફરજ ઉપર કાર્યરત રહ્યા હતા. આ ઉપરાંત વિજય ગઢવી અને એમ.કે.ચૌહાણનો કાર્યકાળ પણ વિવાદાસ્પદ રહેલો છે. આ કેસના ફરિયાદી પ્રેમ લીલારામ શીરવાણી ETમાં શૈલેષ ભંડારી સાથે કામ કરતા હતા. ET કંપનીમાં ડિરેક્ટર બનાવીને તેમના નામે કરોડો રૂપિયાની લોન લીધા બાદ તેમને પતાવી દેવાનો કારસો ઘડવામાં આવ્યો છે તેવી ગંધ તેમને આવી ગઈ હતી.


એટલે તેમણે ડિરેકટર બનવાનું ના કહી દેતા પ્રેમનું અપહરણ કરીને અઠવાડિયા સુધી ગોંધી રાખવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં પરંતુ તેમની પત્ની પાસેથી સવા બે કરોડની સુધીની ખંડણી ઉઘરાવ્યા બાદ પણ શૈલેષ ભંડારી વધુ હેરાન કરી રહ્યો હતો. સમગ્ર મામલામાં પ્રેમ પાસે ઓડિયો વીડિયો સહિતના આધાર પુરાવા હતા. છતાં શૈલેષ સામે ફરિયાદ કાર્યવાહી કરવાને બદલે પોલીસ તેને સપોર્ટ કરતી હતી. મામલો કોર્ટમાં પહોંચ્યો પછી પણ પોલીસ સતત ET કંપનીના જવાબદારોને બચાવવાનો ભરચક પ્રયાસ કરતી રહી હતી.



કોની કોની સામે ફરીયાદ નોંધાઈ?

1. શૈલેશ ભંડારી ઈલેક્ટ્રોથર્મ કંપનીના માલિક

2 . અનુરાગ મુકેશ ભંડારી ઈલેક્ટ્રોથર્મ કંપનીના માલિક

3. સંજય જોષી એચઆર જનરલ મેનેજર

4. બલદેવ રાવલ સિક્યુરિટી ઈન્ચાર્જ અમદાવાદ

5. અમિત પટવારિકા અમદાવાદ

6. હિતેશ સોની અમદાવાદ

7. શ્રીધર મુલચંદાણી અમદાવાદ

8. અનિલ દ્વીવેદી વડોદરા

9. બંક્ત સોમાણી અમદાવાદ

10. મહેન્દ્ર પતીરા દક્ષિણ બોપલ

11. પવનગૌર દક્ષિણ બોપલ

12. શિવમ પોદાર ગાંધીધામ

13. 6 સિક્યુરિટીવાળા ઈટી કંપની અમદાવાદ

14. તત્કાલીન PSI એન.કે.ચૌહાણ

15. તત્કાલીન DYSP વી. જે.ગઢવી

16. તત્કાલીન DYSP ડી.એસ.વાઘેલા

17. તત્કાલીન DYSP આર.ડી.દેસાઈ

18. તત્કાલીન SP જી.વી. બારોટ

19 . તત્કાલીન SP ભાવનાબેન પટેલ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application