Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : ‘MGNREGA’ હેઠળ કામ કરનારા શ્રમિકોને આપી મોટી ભેટ

  • March 28, 2024 

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 'મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના' હેઠળ કામ કરનારા શ્રમિકોને મોટી ભેટ આપી છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા મોટું એલાન કરતા સરકારે મનરેગા શ્રમિકોના વેતન દરમાં 3થી 10 ટકા સુધીનો વધારો કરી દીધો છે. એલે કે, હવે મનરેગા શ્રમિકોને વધુ પૈસા મળશે. આ સબંધે આજે નોટિફિકેશન જારી કરીને જાણકારી આપવામાં આવી છે. PM મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા ચૂંટણી રહેલા નાણાકીય વર્ષ 2023-25 ​​માટે વેતન દરોમાં આ વધારો 1 એપ્રિલ, 2024થી લાગુ કરવામાં આવશે.


સરકારી નોટિફિકેશન પર નજર કરીએ તો ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં વેતન દરમાં સૌથી ઓછો 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે ગોવામાં વેતન દરમાં સૌથી વધુ 10.6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગોવામાં જ્યાં વેતન દરમાં પ્રતિદિન 34 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તો બીજી તરફ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં વેતન દરમાં પ્રતિ દિવસ 7 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મનરેગા (MGNREGA) પ્રોગ્રામની શરૂઆત વર્ષ 2005માં ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. આ રોજગાર ગેરંટી યોજના છે અને તેના હેઠળ સરકાર લઘુત્તમ વેતન નક્કી કરે છે જેના પર ગ્રામીણ વિસ્તારોમાં લોકોને કામ પર રાખવામાં આવે છે.


જેમાં તળાવો ખોદવા, ખાડા ખોદવાથી લઈને ગટર બનાવવા સુધીના કામ સામેલ છે. તેમાં વર્ષમાં 100 દિવસની રોજગારીની ગેરેંટી આપવામાં આવે છે. ગત 1 ફેબ્રુઆરી, 2024ના રોજ સંસદમાં રજૂ કરાયેલ નરેન્દ્ર મોદી સરકારના વચગાળાના બજેટ દરમિયાન સરકારે મનરેગા બજેટ  (MGNREGA Budget)માં વધારો કરવાનું એલાન કર્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું કે નાણાંકીય વર્ષ 2024-25 માટે મનરેગાના બજેટ અંદાજ વધારીને 86,000 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યા છે, આ પહેલા નાણાંકીય વર્ષ 2023-24 માટે મનરેગાનો બજેટ અંદાજ 60,000 કરોડ રૂપિયા હતા.


આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં વેતન દરમાં 5.5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને અહીં શ્રમિકોને હવે 237થી વધીને 250 રૂપિયા પ્રતિ દિવસ મળશે. NREGS વેતનનો સૌથી વધુ દર (રૂ.374 પ્રતિ દિવસ) હરિયાણા માટે નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ માટે સૌથી ઓછો 234 રૂપિયા પ્રતિ દિવસનો દર નક્કી કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જે NREGS હેઠળ સમાન વેતન દર વહેંચે છે તે રાજ્યોમાં દરમાં લગભગ 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને અહીં મજૂરી વર્તમાન 221 રૂપિયાથી વધારીને 243 રૂપિયા પ્રતિ દિવસ કરી દેવામાં આવી છે.


કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ NREGS વેતનમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. TMC નેતા સાકેત ગોખલેએ સરકારના આ નિર્ણય અંગે કહ્યું કે આ શરમજનક છે અને ચોંકાવનારી બાબત એ છે કે આજે મનરેગા માટે જાહેર કરાયેલ વેતન સુધારણામાં મોદી સરકારે બંગાળમાં શ્રમિકો માટે વેતનમાં માત્ર 5 ટકાનો વધારો કર્યો છે. તેની તુલનામાં અન્ય રાજ્યોમાં કરવામાં આવેલો વધારો ઘણો છે. તેમણે કહ્યું કે 7000 કરોડ રૂપિયાથી વધુના બાકી મનરેગા વેતન રોક્યા બાદ બંગાળ વિરોધી ભાજપે ફરીથી પશ્ચિમ બંગાળના લોકોને 5 ટકા વેતન વધારા સાથે સજા આપીને નિશાન બનાવવાનો આશરો લીધો છે જ્યારે ભાજપ શાસિત રાજ્યોને 10 ટકા સુધીનો વેતન વધારો મળ્યો છે. આ બંગાળ પ્રત્યે ભાજપની નફરતનું વધુ એક ઉદાહરણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application