સુરત મહાનગરપાલિકાનાં હાઇડ્રોલિક વિભાગ દ્વારા મગોબ વિસ્તારમાં પાણીની લીકેજ લાઈન રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવવાની હોય ગુરૂવારનાં રોજ વરાછાની કેટલીક સોસાયટીમાં પાણી પુરવઠો ખોરવાશે. જયારે આવતીકાલનાં દિવસે જે સોસાયટીમાં પાણી પુરવઠો આવવાનો ન હોય તે સોસાયટીને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવા સાથે જરૂરિયાત મુજબનું પાણી સંગ્રહ કરવા માટે પાલિકાએ અપીલ કરી છે. સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા વરાછા ઝોન વિસ્તારમાં WDS-E3, મગોબ ખાતે આવેલ ESR-E-10ની ઉતરતી લાઇનમાં લીકેજ રીપેરીંગની કામગીરી આવતીકાલ ગુરૂવારે હાથ ધરવામાં આવશે.
જેમાં હયાત ડી.આઈ.બેન્ડ બદલીને એમ.એસ. કરવાની અગત્યની કામગીરી કરવામાં આવશે. આ કામગીરી 1 જૂનનાં રોજ કરવાની હોય વરાછાની કેટલીક સોસાયટીમાં પાણી પુરવઠો મળી શકશે નહીં. સુરતનાં મગોબ જળવિતરણ મથક ખાતેથી વિભાગીય ધોરણે અપાતા પાણી પુરવઠાનાં વિસ્તારો પૈકી વરાછા ઝોન વિસ્તારમાં આવતીકાલે મગોબ (WDS-E-3) જળવિતરણ મથક ખાતેથી જે પાણી પુરવઠો આપવામાં આવે છે તે પાણી પુરવઠો આપવામાં આવશે નહીં.
આ જળ વિતરણ મથકમાંથી ESR E-10 વિસ્તારમાં આવેલ મુક્તિધામ સોસાયટી, વિક્રમનગર વિભાગ-1, 2, 3, 4 રણુજા સોસાયટી, શીવશક્તિ સોસાયટી તથા ઈશ્વર નગર વિભાગ-1, 2 અને એને લાગતી તમામ સંલગ્ન સોસાયટીમાં પાણી પુરવઠો આપવામાં આવે છે તે પાણી પુરવઠો આવતીકાલ ગુરૂવારે મળશે નહી. તેથી આ વિસ્તારના લોકોને કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરવા તથા જરૂરિયાત મુજબનાં પાણીનો સંગ્રહ કરવા માટે પાલિકાએ અપીલ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500