કેન્દ્રીય પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ અને સ્ટીલ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રવાસી શ્રમિકો માટે ઉધનામાં આવેલી સુરતી આઈલેબ' ખાતે 'માઈગ્રન્ટ સેલ' નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સિટીલાઈટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે આયોજિત સમારોહમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, સુરત શહેર સમગ્ર દેશમાં રોજગારી, સ્વચ્છતા, સુવ્યવસ્થિત પ્રશાસન જેવા ક્ષેત્રોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને માઈગ્રન્ટ શ્રમિકો માટે સૌથી ઝડપી “માઈગ્રન્ટ સેલ”નો શુભારંભ કરીને સમગ્ર દેશમાં દાખલો બેસાડયો છે. દેશના વિવિધ રાજ્યો મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઓડિશાથી આવેલા માઈગ્રન્ટ લેબર ક્યાં અને કેટલા રહે છે તેનો સમગ્ર ડેટાબેઝ આ સેલમાં ઉપલબ્ધ થશે. જેનાથી આગામી સમયમાં પ્રવાસી શ્રમિકોને સન્માનજનક જિંદગીની સાથે આવાસ, સ્વાસ્થ્ય, ઈન્સ્યોરન્સ સહિતની સેવાઓ વધુ સુદ્રઢ બનશે તેવી કટિબદ્ધતા આ પ્રસંગે તેમણે વ્યકત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત બે સ્વદેશી વેક્સીનને મંજૂરી મળી છે જે ટુંક સમયમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ સહિત તમામ લોકોને તબક્કાવાર આપવામાં આવશે.
સુરત મ્યુ.કમિશનરશ્રી બંછાનિધી પાનીએ જણાવ્યું કે, ડાયમંડ સિટી, સિલ્ક સિટીની સાથે સ્વચ્છતાની શિખરે પહોંચેલુ સુરત રોજગાર માટે દેશના પ્રવાસી શ્રમિકોની પ્રથમ પસંદગી રહી છે. કોરોનાની મહામારીમાં સુરતમાં લાખો પરપ્રાંતિય શ્રમિકોને ભોજન, રાશન સહિતની સુવિધાઓ સાથે હેમખેમ વતન વાપસી કરીને સુરત કોર્પોરેશને પોતાની સામાજિક જવાબદારી નિભાવી છે. સમગ્ર દેશમાં પહેલીવાર “માઈગ્રન્ટ સેલ” શરૂ થવાથી સુરતમાં વસતા લાખો શ્રમિકોને અનેકવિધ સુવિધાઓનો લાભ મળશે. આ સેલ દ્વારા શહેરમાં કયાં રાજયના કેટલા શ્રમિકો કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે તેની સમગ્ર વિગતો એકત્રિક કરવામાં આવશે જેના દ્વારા સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓ સાથે જોડી આર્થિક અને સામાજિક યોજનાકીય લાભો આપવામાં સરળતા થશે.
કેન્દ્ર તથા ગુજરાત સરકારની અનેક શ્રમિકલક્ષી યોજનાનો લાભ શ્રમિકોને મળી રહે તે હેતુથી સુરત મહાનગર પાલિકા અને અર્બન મેનેજમેન્ટ સેન્ટર સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. જેનાથી સુરતમાં વસતા શ્રમિકો માટે વ્યક્તિગત લોન સહાય, સ્વસહાય જૂથ બેન્ક લિન્કેજ, પીએમ સ્વનીધિ યોજના, શ્રમયોગી ઓળખ કાર્ડ, સ્વાસ્થ્ય સેવાની ઈન્સ્યોરન્સ જેવી સેવાઓ આસાનીથી મળી રહેશે એમ શ્રી પાનીએ ઉમેર્યું હતું.આ વેળાએ મંત્રીશ્રીના હસ્તે આવાસ તથા શ્રમયોગી ઓળખકાર્ડ તથા લોન સહાયના ચેક શ્રમિકોએ એનાયત કરાયા હતા.
આ પ્રસંગે પૂર્વ મેયરશ્રી જગદીશભાઈ પટેલ, સુડાના સી.ઈ.ઓ.ક્ષિપ્રા અગ્રે સહિત વિવિધ રાજયોના શ્રમયોગીઓ સાથે સંકળાયેલા અગ્રણીઓ, શ્રમિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500