નવસારી નજીકના હાઈવે સ્થિત ઉનગામની સીમમાંથી રૂરલ પોલીસે બાતમી આધારે રૂ.૧૦.૮૦ લાખની કિંમતનો વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે બેને ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે રૂ.૨૦.૯૧ લાખનો મુદ્દામાલ કબજે કરી એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. મળતી માહિતી મુજબ, નવસારી રૂરલ પોલીસને બાતમી મળી હતી કે, દમણથી આઈસર કંપનીનો ટ્રકમાં ક્લિનર સીટની પાછળની કેબિનમાં બનાવેલા ચોરખાનામાં સંતાડીને વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જવા માટે નીકળ્યો છે.
જેના આધારે પોલીસે નેશનલ હાઈવે નંબર-૪૮ પર આવેલા ઉનગામની હદમાં બનેલા બુલેટ ટ્રેનના ઓવરબ્રીજની નીચે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવતા પોલીસે રોકી તલાશી લેતા ક્લિનર સીટની પાછળના કેબિનમાં ચોરખાનામાંથી ૧૫૦ પેટીમાં ભરેલી વ્હીસ્કાની નાની પ્લાસ્ટીકની ૭૨૦૦ નંગ બોટલ કિંમત રૂ.૧૦.૮૦ લાખ મળી આવી હતી. પોલીસે ટ્રકચાલક કુલદીપ રોશનલાલ ખટીક (ઉ.વ.૩૦, રહે.સરદારગઢ, જી.રાજરામન્ધ-રાજસ્થાન) અને ક્લિનર સતીશ બનારસી ચમાર (ઉ.વ.૨૪, રહે.અમરોહા, જિ.જૌનપુર, યુપી)ની ધરપકડ કરી તેમની પાસેથી મોબાઇલ ફોન, રોકડ રકમ અને રૂ.૧૦ લાખનો આઇસર ટ્રક સહિત કુલ રૂ.૨૦.૯૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500