નવી દિલ્હીઃ દિલ્હીમાં વધતા પ્રદૂષણ વચ્ચે કેજરીવાલ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. દિલ્હી સરકારે ફટાકડા ફોડવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારે ગ્રીન ક્રેકર્સને પણ બેન કરી દીધા છે. આ પહેલા ગ્રીન ક્રેકર્સ ફોડવાની મંજૂરી આપવામાં આવી હતી.
મહત્વનું છે કે વધતા પ્રદૂષણ અને કોરોનાને લઈને દિલ્હી સરકારે આજે બેઠક બોલાવી હતી. તેમાં સ્વાસ્થ્ય અધિકારી અને બધા ડીએમ પણ હતા. તહેવારોને કારણે ભીડ અને પ્રદૂષણને કારણે કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે. દિલ્હીની ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19 બેડ રિઝર્વ રાખવાના આદેશને હાઈકોર્ટ દ્વારા નકારવાના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં ટાર્ગેટ ટેસ્ટિંગ પણ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણય ફટાકડાને લઈને લેવામાં આવ્યો છે.
દિલ્હી આ સમયે બેવડા ખતરામાંથી પસાર થઈ રહી છે. રાજધાનીના આકાશમાં છવાયેલા ઝેરી ધુમાડાએ દિલ્હીને ગેસ ચેમ્બર બનાવી દીધી છે. ખતરનાક સ્તર પર પહોંચી ચુકેલા પ્રદૂષણને કારણે દિલ્હી-એનસીઆરમાં વિઝિબિલિટી ઘટી 500 મીટર રહી ગઈ છે. ગુરૂવારે રાજધાનીમાં અલગ-અલગ જગ્યાઓ પર AQI લેવલ 400-700 રેકોર્ડ કરવામાં આવ્યું.
દિલ્હીમાં ગુરૂવારે સવારથી એર ક્વોલિટી ઇન્ડેક્સ ખતરનાક સ્તર પર છે. મોટાભાગના વિસ્તારમાં એક્યૂઆઈ 500ને પાર પહોંચી ગયો છે. આ હવામાં પ્રદૂષણના ખતરનાક સ્તરને દેખાડી રહ્યું છે. આ પહેલા સ્થિતિ વધુ ખરાબ થાય તે માટે સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકોને અપીલ કરી હતી કે દિવાળી પર આતાશબાજી ન કરે. પરંતુ હવે તેમણે નિર્ણય લેતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500