ગાંધીનગરના માણસા તાલુકાના ઈટાદરા ગામમાં રહેતી સગીરાનુ ત્રણ વર્ષ અગાઉ અપહરણ કરીને વિજાપુરના યુવાન દ્વારા અન્ય સ્થળોએ લઈ જઈને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જે સંદર્ભે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા પોક્સોના ગુનામાં આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની મળતી વિગતો પ્રમાણે વિજાપુરના મકરાણી દરવાજા પાસે રહેતા પ્રકાશ મેલાભાઈ સોલંકી દ્વારા ગત ૨૫ એપ્રિલ ૨૦૨૧ના રોજ સાંજના સમયે ઇટાદરા ગામમાં રહેતી સગીરાનું અપહરણ કરીને તેણીને કડી તાલુકાના ગામમાં લઈ ગયો હતો તેમજ અલગ અલગ સ્થળોએ રાખીને તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. જે સંદર્ભે સગીરાના પિતા દ્વારા માણસા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા તપાસ કરીને આ ગુનાનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. જે કેસ ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં બીજા એડિશનલ સેશન્સ જજશ્રી એસ.ડી મહેતાની કોર્ટમાં ચાલ્યો હતો.
જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ.પંડયા દ્વારા ભોગ બનનાર સગીરા અને અન્ય સાહેદોની જુબાની લેવામાં આવી હતી. ત્યારબાદ વકીલે રજૂઆત કરી હતી કે, ભોગ બનનાર દીકરીની ઉંમર નાની હતી અને તેમ છતાં આરોપી દ્વારા ગંભીર પ્રકારનો ગુનો આચરવામાં આવ્યો છે. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે જેના પગલે આરોપીને કાયદામાં દર્શાવવામાં આવેલી સખતમાં સખત સજા કરવામાં આવે. જેના પગલે કોર્ટ દ્વારા આ દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી પ્રકાશ મેલાભાઈ સોલંકીને કસૂરવાર ઠેરવીને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટ કરવામાં આવી હતી અને ૪,૦૦૦નો દંડ ભરવા હુકમ કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500