ખેડાના કઠલાલના સીતાપુર પાટિયા પાસેથી કારમાં ડીઝલના કેરબા ભરી વેચવા નીકળેલા ત્રણ શખ્સો પકડાયા હતા. જેમની પૂછપરછમાં કઠલાલના લાડવેલ બસ સ્ટેન્ડ નજીક ટ્રકમાંથી ૨૦૦ લિટર ડીઝલની લૂંટ ચલાવી ટ્રક ચાલકને માર મારી લૂંટ ચલાવ્યાના ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ડીઝલ ભરેલા બે કેરબા સહિત રૂ.૫.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. કઠલાલ તાલુકાના લાડવેલ બસ સ્ટેન્ડ નજીક રોડ ઉપર ટ્રક ઉભી હતી.
ત્યારે સાઈડમાં કાર ઉભી રાખી અંદરથી ઉતરેલા ચાર શખ્સોએ ટ્રકની ડીઝલની ટાંકીનું તાળું તોડી ડીઝલ ચોરી કરતા હતા. ત્યારે ટ્રક ચાલકે પ્રતિકાર કરતા શખ્સોએ ટ્રક ચાલકને ટોમીથી માર મારી ઈજાગ્રસ્ત કર્યા હતા. બાદમાં ટ્રકમાંથી ૨૦ હજારનું ૨૦૦ લિટર ડીઝલ, ટ્રક ચાલકના ખિસ્સામાંથી રૂા.૨૦ હજારનો મોબાઈલ અને રોકડ રૂા.પાંચ હજારની લૂંટ ચલાવી ગાડીમાં ફરાર થઈ ગયા હતા. આ અંગે ટ્રક ચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે અલિણા તરફથી સીતાપુર પાટિયા તરફ ડીઝલના કેરબા ભરેલી કાર વેચાણ કરવા માટે ફરતી હતી.
ત્યારે સીતાપુર પાટિયા પાસે પોલીસે કારને રોકતા અંદરથી બે ડીઝલ ભરેલા કેરબા મળ્યા હતા. પોલીસે પૂરપરછ કરતા કારચાલક કરણ ઉર્ફે રાજુભાઈ સુરેશભાઈ જશવંતભાઈ ઠાકોર (૨હે.તાબે ધુળેટા નિશાળની સામે તા. ઉમરેઠ, જિ.આણંદ), રાકેશ ઉર્ફે રાકો રમણભાઈ અમરસિંહ પરમાર (રહે.ધરનુખીયા મેલડી માતાવાળું ફળિયુ તાબે પાંડવણીયા તા. ઠાસરા, જિ. ખેડા) અને મહેશકુમાર ઉર્ફે મનસુરી રંગીતસિંહ નરવતસિંહ સોઢા પરમાર (રહે. લહેરીપુરા તાબે અજબપુરા (મીઠાપૂરા) તા. સાવલી જિ. વડોદરા) હોવાનું જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછપરછમાં લાડવેલ બસ સ્ટેન્ડ નજીક ટ્રક ચાલકને માર મારી ડીઝલની લૂંટ ચલાવવાનો ભેદ ખૂલ્યો હતો. ત્રણેય શખ્સોની ધરપકડ કરી પોલીસે કાર સહિત ૫.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત ત્રણેય વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500