મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની મુંબઈમાં અટકાયત કરવામાં આવી છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે દાવો કર્યો હતો કે તેઓ ભારત છોડો આંદોલનની વર્ષગાંઠની ઉજવણી કરવા નીકળ્યા હતા. પરંતુ સાંતાક્રુઝ પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. તેમણે ટ્વીટ કરીને લખ્યું, ‘આઝાદ ભારતના ઈતિહાસમાં આ પહેલી વાર બન્યું છે. હું 9 ઓગસ્ટે ભારત છોડો આંદોલનની વર્ષગાંઠની ઉજવણી કરવા ઘરની બહાર આવ્યો હતો ત્યારે સાંતાક્રુઝ પોલીસે મારી અટકાયત કરી હતી. મને મારા પરદાદા-પરદાદી મહાત્મા ગાંધી અને બા પર ગર્વ છે, જેમને આ જ ઐતિહાસિક તારીખે અંગ્રેજોએ અટકાયતમાં લીધા હતા.’
દર વર્ષે ‘ભારત છોડો આંદોલન’ની વર્ષગાંઠ પર ગીરગાંવ ચોપાટી ખાતેની તિલક પ્રતિમાથી ઓગસ્ટ ક્રાંતિ મેદાન સુધી માર્ચ કરવામાં આવે છે. પોલીસે તુષાર ગાંધી અને તિસ્તા સેતલવાડને બુધવારે સવારે માર્ચમાં ભાગ ન લેવા કહ્યું હતું. બાદમાં પોલીસે તુષાર ગાંધી કસ્ટડીમાં લીધા હતા. તેમની સાથે 50 અન્ય કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી હતી. સાથે જ તિસ્તા સેતલવાડને ઘરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. તિસ્તા સેતલવાડે ટ્વીટ કર્યું કે મને માર્ચમાં સામેલ થવાથી રોકવા માટે મારા ઘરની બહાર 20 જવાનોની પોલીસ ટુકડી તૈનાત કરવામાં આવી છે.
તુષાર ગાંધીએ પોલીસ સ્ટેશનથી કરેલા અન્ય એક ટ્વીટમાં કહ્યું કે, ‘તેમને છોડવામાં આવશે ત્યાર બાદ તેઓ ઓગસ્ટ ક્રાંતિ મેદાન તરફ કૂચ કરશે.’ તેમણે કહ્યું, ‘આ શહીદોને યાદ કરવાનો દિવસ છે અને ઓગસ્ટ ક્રાંતિ દિવસ ચોક્કસપણે ઉજવવામાં આવશે.’ હજુ સુધી આ મામલે પોલીસ દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.ત્યાર બાદ તુષાર ગાંધીએ ટ્વીટ કર્યું કે હવે મને જવા દેવામાં આવ્યો છે. ચાલો ઓગસ્ટ ક્રાંતિ મેદાન. ઈન્કલાબ ઝિંદાબાદ!કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ આ અટકાયત અંગે ટ્વિટર પર લખ્યું, “ક્વીટ ઈન્ડિયાને બદલે હવે ક્વાઈટ ઈન્ડિયા કરવામાં આવ્યું છે.”
એક ટ્વિટર યુઝરને જવાબ આપતાં તુષાર ગાંધીએ કહ્યું કે ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં શાંતિપૂર્ણ માર્ચની તૈયારી હતી. પરંતુ તેને કાયદો અને વ્યવસ્થા માટે પડકાર તરીકે જોવામાં આવ્યું.9 ઓગસ્ટ, 1942 ના રોજ અગ્રેજો સામે શરુ થયેલા ‘ભારત છોડો’ નાગરિક અંદોલનની યાદગીરી રૂપે ભારત છોડો દિવસ મનાવવામાં આવે છે. આ અંદોલન સ્વતંત્રતાની લડતનો અંતિમ તબક્કાઓમાંનો એક સાબિત થયો હતો. આ દિવસે, મહાત્મા ગાંધીના “કરો યા મરો” ના આહ્વાન સાથે બ્રિટિશ શાસન સામે અહિંસક લડત શરુ કરી હતી. જેમાં લાખો ભારતીયો રસ્તા પર ઉતારી પડ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500