જમ્મુ-કાશ્મીરનાં રામબન જિલ્લામાં સેના અને પોલીસના જવાનોની બહાદુરીને પુરવાર કરતી ઘટના સામે આવી છે. હકિકતમાં, અમરનાથ યાત્રાના ભક્તોને લઈને પરત આવી રહેલ બસની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ હતી. જે બાદ અંદર સવાર 40 જેટલા મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા અને લોકો ચાલતી બસમાંથી કૂદવા લાગ્યા હતા. બાદમાં સેના અને પોલીસે માર્ગમાં અવરોધો ઉભા કરીને બસને રોકી હતી અને તમામ ભક્તોના જીવ બચાવ્યા હતા.
ચાલતી બસમાંથી કૂદવાથી કેટલાક ભક્તોને ઈજા થઈ હતી અને અન્ય તમામ ભક્તો સુરક્ષિત છે. આ તમામ શ્રદ્ધાળુઓ પંજાબના હોશિયારપુરના હતા. નચિલાણા વિસ્તારમાં અમરનાથ દર્શનથી પરત ફરી રહેલા ભક્તોને લઈને જતી બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. બસની બ્રેક ફેલ થઈ ગઈ હોવાની જાણ થતાં જ બસમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ ડરી ગયા અને ચીસો પાડવા લાગ્યા ત્યારે સેના, પોલીસ અને ટ્રાફિક પોલીસે રામબન જિલ્લાનાં નચિલાણા વિસ્તારમાં અમરનાથ યાત્રીઓની બસને ખાડામાં પડતા બચાવીને મોટી દુર્ઘટનાને ટાળી હતી.
આ દરમિયાન કેટલાક મુસાફરો ચાલતી બસમાંથી નીચે કુદી પડ્યા હતા. જેના કારણે તેઓ ઘાયલ થયા હતા. બાદમાં સેના, પોલીસ અને ટ્રાફિક પોલીસના જવાનોએ બસનો પીછો કર્યો હતો અને બસના આગળના અને પાછળના ટાયર નીચે પથ્થરો મૂકીને તેને રોકી હતી. જો બસ રોકવામાં ન આવી હોત તો તે ઉંડી ખાઈમાં પડી હોત જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. પરંતુ સદનસીબે ભારતીય સેના અને પોલીસની બહાદુરીથી તમામ શ્રદ્ઘાળુઓને સુરક્ષીત રીતે બચાવી લેવાયા હતા. ઘાયલ થયેલા તમામ મુસાફરો સુરક્ષિત છે અને તેમને આર્મી કેમ્પમાં સારવાર આપવામાં આવી છે. બ્રેક ફેલ થયા બાદ ભક્તો કૂદતા હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500