વન રેંક વન પેંશન યોજના હેઠળ પેંશન એરિયર ચુકવવામાં કેન્દ્ર સરકાર મોડુ કરી રહી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ આદેશ આપ્યો હતો કે જે પણ પેંશન એરિયર બાકી હોય તેને 28 ફેબ્રુઆરી 2024 સુધીમાં ચુકવી આપવાનું રહેશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવાનો રહેશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સમય મર્યાદા વધારી આપવાની માગણી કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. જોકે આ સાથે જ બાકી પૈસાની ચુકવણીમાં થોડી રાહત આપી હતી અને પેંશનર્સને ત્રણ કેટેગરીમાં એરિયર્સ આપવા કેન્દ્રને કહ્યું છે.
કેન્દ્ર સરકારે વન રેંક વન પેંશનના પેંશનરોને આશરે 28,000 કરોડ રૂપિયા ચુકવવાના બાકી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે મને આ સીલબંધ કવરમાં જવાબ આપવાની પ્રથા જ નથી પસંદ, અમે કેન્દ્ર સરકારને વન રેંક વન પેંશન મુદ્દે જે આદેશ આપ્યા હતા તેનો અમલ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે નોંધ લીધી હતી કે 25 લાખ પેંશનરોમાંથી ચાર લાખ પેંશનર વન રેંક વન પેંશન સ્કીમ માટે યોગ્યતા નથી ધરાવતા. સાથે જ આદેશ આપ્યો હતો કે 6 લાખ ફેમેલી પેંશન અને વીરતા એવોર્ડ મેળવનારાને 30મી એપ્રીલ, 2023 સુધીમાં વન રેંક વન પેંશનની બાકીની રકમ ચુકવી આપવામાં આવે.
જ્યારે ચારથી પાંચ લાખ નિવૃત્ત સર્વિસમેન કે જેમની વય 70 વર્ષથી વધુ હોય તેમને વન રેંક વન પેંશનની બાકીની એરિયરની રકમ આ વર્ષે જ 30મી જુન સુધીમાં આપવામાં આવે. બાદમાં અન્ય જે 10થી 11 લાખ પેંશનર્સ છે તેમને 28 ફેબ્રુઆરી 2024 સુધીમાં તેમની બાકીની રકમ ત્રણ સરખા ભાગમાં ચુકવવામાં આવે. કેન્દ્ર સરકાર વતી વન રેંક વન પેંશનના એરિયર્સને ચુકવવા માટે જે બંધ કવરમાં નોટ આપવામાં આવી તેનો સ્વીકાર કરવાની સુપ્રીમે ના પાડી દીધી હતી જે દરમિયાન જ આ પૈસા ચુકવી આપવા આદેશ આપ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી પહેલા અનેક વખત રેલીઓમાં વન રેંક વન પેંશન યોજનાના વખાણ કર્યા હતા સાથે જ સૈનિકોનો મામલો પણ ઉઠાવ્યો હતો. જ્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં એવો જવાબ રજુ કરવામાં આવ્યો હતો કે નિવૃત્ત જવાનોને પેંશન એરિયર ચુકવવામાં આર્થિક મુશ્કેલી પડી રહી છે. કેન્દ્ર સરકારના આ જવાબ બાદ સુપ્રીમ કોર્ટે રસ્તો કાઢી આપ્યો હતો અને જે કુલ રકમ આપવાની છે તેને ત્રણ ભાગમાં વિભાજીત કરી આપી હતી. જોકે આ બધી જ રકમ આગામી વર્ષના ફેબ્રુઆરી મહિના સુધીમાં ભરપાઇ કરી આપવી પડશે તેવી સ્પષ્ટતા પણ કરી હતી.
કેન્દ્ર સરકાર વતી હાજર એટર્ની જનરલ આર વેંકટરમણીએ કહ્યું હતું કે પેંશન માટે બજેટમાં જે નાણા ફાળવવામાં આવ્યા તે પેંશર એરિયર ચુકવવા માટે પુરતા નથી. વન રેંક વન પેંશન હેઠળ પેંશનર્સની સંખ્યા ૨૫ લાખ જેટલી છે. અને તેમને ચુકવવાના થતા એરિયરની રકમ 28 કરોડ જેટલી છે. સંરક્ષણ મંત્રાલયનુ બજેટ નાણાકીય વર્ષ 2022-23 માટે 5.58 લાખ કરોડ છે. જેમાંથી 1.32 લાખ કરોડ પેંશન માટે છે. જેમાંથી 1.2 લાખ પહેલાથી જ ફાળવી દેવામાં આવ્યા છે. જોકે વર્ષ વન રેંક વન પેંશનના વર્ષ 2019-2022નાં એરિયરની રકમ આશરે 28 હજાર કરોડ થાય છે જે ચુકવવી હાલ સરકાર માટે મુશ્કેલ છે.
જોકે આ દલિલોને ધ્યાનમાં રાખીને બાદમાં સુપ્રીમ કોર્ટે ત્રણ ભાગમાં એરિયર ચુકવવા કહ્યું હતું. આ પહેલા જાન્યુઆરી મહિનામાં જ્યારે સુપ્રીમ કોર્ટમાં પેંશનર્સ દ્વારા દાખલ અરજી પર દલિલો ચાલી રહી હતી ત્યારે નિવૃત્ત સૈનિકોના વકીલ હુઝેફા અહમદીએ કહ્યું હતું કે સૈન્યના ચાર લાખ નિવૃત્ત જવાનો વન રેંક વન પેંશન યોજનાનું એરિયર મેળવે તે પહેલા જ મૃત્યુ પામ્યા છે. વન રેંક વન પેંશન મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. કેન્દ્ર સરકાર દ્વારા બંધ કવરમાં આપવામાં આવેલા જવાબનો સ્વીકાર કરવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી હતી. અને કહ્યું છે કે, આ રીતે બંધ કવરમાં જવાબ આપવા પર રોક લગાવવાની પણ જરૂર છે કેમ કે તે નિષ્પક્ષ ન્યાય માટેની પાયાની પ્રક્રિયાની વિરુદ્ધમાં છે.
કેન્દ્ર સરકારના બંધ કવરમાં જવાબથી નારાજ થતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે અમે આ જવાબને બંધ કવરમાં નહીં સ્વીકારીએ, કેમ કે બંધ કવરમાં જવાબ આપવો તે ન્યાયની મૂળભૂત પ્રક્રિયાની વિરુદ્ધમાં છે. સુપ્રીમ કોર્ટમાં પેંશનરો વતી દાખલ અરજીની દલિલો પર સુનાવણી ચાલી રહી હતી ત્યારે કેન્દ્ર સરકારે બંધ કવરમાં જવાબ રજુ કર્યો હતો. જે જોઇને મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે આપણે સુપ્રીમ કોર્ટમાં આ સીલ બંધ કવરમાં જવાબ રજુ કરવાની પ્રથાને બંધ કરવાની જરૂર છે. કોર્ટમાં પારદર્શીતા હોવી જોઇએ. આ મામલે અગાઉ જ સુપ્રીમ કોર્ટ આદેશ આપી ચુકી છે. તેથી હવે તેમાં ગુપ્ત રાખવા જેવુ શું છે? સીલ બંધ કવરની જાણકારી અન્ય પક્ષોને પણ આપવી જોઇએ. સીલ બંધ કવરનો ઉપયોગ ત્યારે જ થવો જોઇએ ત્યારે કોઈનુ જીવન ખતરામાં હોય અથવા એવી કોઇ ગુપ્ત રાખવા જેવી બાબત હોય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application