બાંગ્લાદેશમાં અનામતને લઈને ચાલી રહેલી હિંસા વચ્ચે ત્યાંની સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો. બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં મળતી મોટાભાગની અનામતો રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે અનામત યથાવત્ રાખવાના નીચલી કોર્ટના ચુકાદાને પણ રદ કરી દીધો અને 93 ટકા નોકરીઓ મેરિટ પર આધારિત કરવાનો આદેશ આપ્યો. હવે 1971નાં યુદ્ધમાં ભાગ લેનારાઓના પરિવારને માત્ર પાંચ ટકા અનામત આપવામાં આવશે. હાઈકોર્ટનાં નિર્ણયને પલટાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લગભગ તમામ સરકારી નોકરીઓ મેરિટના આધારે આપવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં અનામત સુધારાને લઈને ઘણા દિવસોથી હિંસાનો દોર ચાલી રહ્યો છે જેમાં ઓછામાં ઓછા 133 લોકોએ જીવ ગુમાવ્યા અને હજારો ઘાયલ થયા. હિંસાને જોતા વડાંપ્રધાન હસીના સરકારે સમગ્ર દેશમાં કર્ફ્યૂ લગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વિદ્યાર્થીઓ વતી પાંચ વકીલોને દલીલો રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સુનાવણીમાં હાજર રહેલા કુલ 9 વકીલોમાંથી આઠ વકીલોએ હાઈકોર્ટના નિર્ણયને ઉથલાવી દેવાની વાત કરી હતી. માત્ર એક વકીલે અનામતની હિમાયત કરી હતી.
બાંગ્લાદેશમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સુધારા પછી, 1971ના યુદ્ધમાં ભાગ લેનારાઓના પરિવારો માટે એક તૃતીયાંશ સરકારી નોકરીઓ આરક્ષિત કરવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે માત્ર 5 ટકા સીટો અનામત રાખી શકાય છે. બાંગ્લાદેશમાં ક્વોટા સિસ્ટમ હેઠળ 56 ટકા સરકારી નોકરીઓ અનામત હતી. જેમાંથી 30 ટકા 1971ના મુક્તિ સંગ્રામના સેનાનીઓના વંશજો માટે, 10 ટકા પછાત વહીવટી જિલ્લાઓ માટે, 10 ટકા મહિલાઓ માટે, 5 ટકા વંશીય લઘુમતી સમૂહો માટે અને 1 ટકા વિકલાંગ લોકો માટે આરક્ષિત હતા. સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજોને આપવામાં આવેલી 30 ટકા અનામત સામે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા.
સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીમાં 93 ટકા હોદ્દા પર મેરિટના આધારે નિમણૂકનો આદેશ કર્યો છે, તો 1971ના મુક્તિ સંગ્રામના સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજો અને અન્ય શ્રેણીઓ માટે ફક્ત સાત ટકા અનામતનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં દર વર્ષે લગભગ 3 હજાર સરકારી નોકરીઓનું સર્જન થાય છે, જેના માટે લગભગ 4 લાખ ઉમેદવારો અરજી કરે છે. બાંગ્લાદેશમાં વર્ષ 2018 પણ આ જ ક્વોટા સિસ્ટમ સામે હિંસક વિદ્યાર્થીઓનું આંદોલન થયું હતું.
ત્યારબાદ શેખ હસીનાની સરકારે ક્વોટા સિસ્ટમને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. સરકારના આ નિર્ણયને મુક્તિ સંગ્રામના સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજોએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ગયા મહિને હાઈકોર્ટે શેખ હસીના સરકારના નિર્ણયને રદ કર્યો હતો અને ક્વોટા સિસ્ટમ યથાવત રાખવાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટના આ નિર્ણય બાદ સમગ્ર બાંગ્લાદેશમાં હિંસક દેખાવો શરૂ થયા હતા. વિરોધીઓએ જાહેર મિલકતોને નુકસાન પહોંચાડ્યું, બસો અને ટ્રેનોને આગ લગાવી હતી. પરિસ્થિતિ એટલી હદે કાબૂ બહાર થઈ ગઈ કે હસીના સરકારને રસ્તાઓ પર સેના મોકલવી પડી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500