ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં હજુ પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગમાં માર્યા ૧૮ લોકોમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ હતા, જ્યારે હવે પ્રયાગરાજના નૈની રેલવે સ્ટેશન પર પણ ભારે ભીડને કારણે સ્થિતિ કાબુ બહાર જતી રહી હતી, અહીંયા અનેક શ્રદ્ધાળુઓ ગભરામણનો ભોગ બન્યા હતા, જેને પગલે પ્રશાસન માટે ઇમર્જન્સી જેવી સ્થિતિ પેદા થઇ ગઇ હતી. સાંજ પડતા જ પરિસ્થિતિ કાબુ બહાર જતી રહી હતી ને કેટલાક શ્રદ્ધાળુઓ બેભાન થઇ ગયા હતા. દરમિયાન દિલ્હી રેલવે સ્ટેશન પર આકરા નિયમો લાગુ કરાયા છે.
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગમાં ૧૮ લોકો માર્યા ગયા હતા, ભારે ભીડને ધ્યાનમાં રાખીને હવે રેલવે સ્ટેશન પ્રશાસને કાઉન્ટર પરથી પ્લેટફોર્મ ટિકિટોનું વેચાણ ૨૬મી તારીખ સુધી બંધ કરી દીધુ છે. તમામ એન્ટ્રી પોઇન્ટ પર ટીટી અને આરપીએફને તૈનાત કરવામાં આવ્યા છે. ટિકિટ વગરના કોઇ પણ નાગરિકના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. સાથે જ ઇન્સ્પેક્ટર રેંકના છ અધિકારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. શનિવારની નાસભાગની તપાસમાં સામે આવ્યું છે કે, ઘટનાની રાત્રે બે કલાકમાં દરરોજ કરતા ૨૫૦૦થી વધુ જનરલ ટિકિટો વેચવામાં આવી હતી.
રેલવે સ્ટેશનો પર ભારે ભીડ ને કેટલાક સ્થળે કુંભ જનારા લોકોને જગ્યા ના મળતા ટ્રેનો પર પથ્થરમારા જેવી ઘટનાઓ નાસભાગ વગેરેને કારણે ઇસ્ટ સેન્ટ્રલ રેલવે (ઇસીઆર)એ સોમવારે જાહેરાત કરી હતી કે હવેથી રેલવે સ્ટેશનો પર આકરા પ્રતિબંધોનો અમલ કરાયો છે, કોઇ પણ વ્યક્તિને ટિકિટ વગર પ્રવેશ આપવામાં નહીં આવે. સીપીઆરઓ શરસ્વતી ચંદ્રએ કહ્યું હતું કે મહાકુંભ સુધી મુસાફરોને કોઇ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તેની પુરી તકેદારી રાખવામાં આવી રહી છે. રેલવે સ્ટેશનો પર એન્ટ્રી પોઇન્ટે ટિકિટ વગર કોઇ પ્રવેશ ના કરે તે માટે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
સ્થાનિક પ્રશાસન અને પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. બીજી તરફ દિલ્હી રેલવે સ્ટેશન, મહાકુંભમાં નાસભાગની ઘટનાઓને પગલે સુપ્રીમ કોર્ટમાં પીઆઇએલ થઇ છે જેમાં ભવિષ્યમાં નાસભાગની કોઇ ઘટના ના બને તેની પુરતી તકેદારીના આદેશ આપવાની માગણી કરવામાં આવી છે. સાથે જ દિલ્હી રેલવે સ્ટેશને નાસભાગની ઘટનાની તપાસનો સ્ટેટસ રિપોર્ટ માંગવામાં આવે તેવી પણ અપીલ કરાઇ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500