ગાંધીનગર શહેર નજીક આવેલ કુડાસણમાં મોડી સાંજે કારમાં અમદાવાદથી પરત ફરી રહેલા વેપારી ઉપર બાઈક ઉપર આવેલા ત્રણ લૂંટારૂઓએ હુમલો કરીને બ્લેડના ઘા ઝીંકી 2.53 લાખ રૂપિયાની લૂંટ કરી લીધી હતી. ઘાયલ અવસ્થામાં વેપારીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરી લૂંટારૂઓને પકડવા મથામણ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર, કુડાસણ ગ્રીન પાર્ક સોસાયટીની સામે રહેતા કમલેશભાઈ ભીખાભાઈ પટેલ કુડાસણ ખાતે સાબુ તેમજ અન્ય સરસામાનનો વેપાર કરે છે. બુધવારના સાંજના ચાર વાગ્યાના અરસામાં કમલેશભાઈ ધંધાર્થે અને ઉઘરાણી માટે અમદાવાદ દાણીલીમડા કાર લઈને ગયા હતા.
જ્યાંથી ઈલીયાસભાઈ પાસેથી ઉઘરાણીના 2.18 લાખ લઈને પ્લાસ્ટિકની બેગમાં રાખી ડેકીમાં મૂકી ઈન્દીરાબ્રીજ થઈ કોબા સર્કલ પસાર કરી પીડીપીયુ ભાઈજીપુરા ચાર રસ્તા આવ્યા હતા અને અંધારું તેમજ સતત વાહનોની અવરજવર હોવાથી ધીમે ધીમે રોડની સાઈડમાં પાર્કીંગ લાઈટ ચાલુ કરી ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે કુડાસણ પાટીયા ખાતે અચાનક તેમની બાજુમાં બે બાઇક ઉપર આવેલા ત્રણ લૂંટારૂઓએ ગાડી ઉભી રખાવી દીધી હતી. જે પૈકીના એક લૂંટારૃએ ડ્રાઇવર સાઈડનો દરવાજો ખોલવાની કોશિષ કરી હતી. જેથી કમલેશભાઈએ કારણ પૂછતાં જ તેણે જોરથી દરવાજો ખેંચીને ખોલી નાંખી ઝગડો કર્યો હતો.
આ દરમ્યાન અન્ય એક લૂંટારૂએ ઝપાઝપી દરમ્યાન કમલેશભાઈ પર બ્લેડ વડે હૂમલો કર્યો હતો અને ત્રીજા લૂંટારૂએ કારમાંથી ઉઘરાણીનાં રૂપિયા 2.18 લાખ તેમજ બીજા 35 હજાર મળીને 2.53 લાખ લૂંટી લીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા કમલેશભાઈએ બુમાબુમ કરતા શખ્સો ત્યાંથી નાસી છૂટયા હતા. બીજી બાજુ તેમના પરિવારજનો પણ તેમને શોધતા આવી પહોંચ્યા હતા અને તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટના અંગે ઇન્ફોસિટી પોલીસે લૂંટારૂઓ સામે ગુનો દાખલ કરીને તેમને પકડવા મથામણ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500