Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અયોધ્યા ખાતે રામનવમીની ઉજવણી : પ્રભુશ્રી રામનાં મંદિરને અલગ-અલગ પ્રકારનાં ફૂલોથી અને રોશનીથી શણગારાયું

  • April 17, 2024 

આ વર્ષે રામ નવમી નો તહેવાર, 17 એપ્રિલ 2024, બુધવાર ના રોજ છે, વાલ્મીકિ રામાયણ અનુસાર, ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રી રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ પર થયો હતો. આ દિવસે રામનવમી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ઘણી ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે, માં દુર્ગાને વિદાય આપવાની સાથે, રામજીની જન્મજયંતિ દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. રામ નવમીના દિવસે અયોધ્યા તેમજ દેશભરના રામ મંદિરોને ખાસ શણગારવામાં આવશે. આ વર્ષ ની રામનવમી એટલે પણ ખાસ છે કેમ કે અયોધ્યા ખાતે પણ વર્ષો પછી ભવ્યથી અતિ-ભવ્ય રીતે રામનવમીની ઉજવણી કરવામાં આવશે, પ્રભુ શ્રી રામના મંદિરને અલગ-અલગ પ્રકાર ના ફૂલોથી અને રોશની થી શણગારવામાં આવ્યું છે.


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે ચંદ્ર કર્ક રાશિમાં રહેશે, જેના કારણે કર્ક રાશિનો ઉદય થઈ રહ્યો છે. આ સાથે રામલલાના જન્મ સમયે સૂર્ય દસમા ભાવમાં સ્થિત હતા અને ઉચ્ચ રાશિમાં હતા. તેવી જ રીતે આ વખતે રામ નવમીના દિવસે સૂર્ય દસમા ભાવમાં મેષ રાશિ સાથે હાજર રહેશે. આ ઉપરાંત ગજકેસરી યોગની રચના થઈ રહી છે. એવું માનવામાં આવે છે કે શ્રી રામના જન્મ સમયે તેમની કુંડળીમાં ગજકેસરી યોગ હતો. આ યોગ બનવાના કારણે કેટલીક રાશિના લોકોને માન-પ્રતિષ્ઠા મળશે. મર્યાદા પુરષોતમ ભગવાન રામ ને પ્રસન્ન કરવા માટે આ દિવસે તેમની મનપસંદ વાનગીઓનો ભોગ ચઢાવવો જોઈએ.


રામ નવમી ભોગ:-

પંજરી – રામલલાનો સૌથી પ્રિય ભોગ પંજરી છે. રામનવમીના દિવસે શ્રી રામને ધાણા, ઘી અને ખાંડની બનેલી પંજરી ચઢાવો. તેમાં તુલસીના પાન અવશ્ય નાખો. એવું માનવામાં આવે છે કે મર્યાદા પુરુષોત્તમ જલ્દી ખુશ થઈ જાય છે અને દાંપત્ય જીવનમાં મધુરતા વધે છે.

ચોખાની ખીર - ભગવાન રામને ખીર ખૂબ જ ગમે છે. ચોખાને દેવ અન્ન કહેવામાં આવે છે. રામ નવમી પર ખીર ચઢાવવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે. દંતકથા અનુસાર, માતા કૌશલ્યાએ દિવ્ય પ્રસાદ તરીકે ખીર ખાધી હતી, ત્યારબાદ રામજીનો જન્મ થયો હતો. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન રામનો જન્મ થયો ત્યારે ખીર બનાવવામાં આવી હતી.

પંચામૃતઃ- શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુની પૂજામાં પંચામૃતનું ખૂબ જ વિશેષ મહત્વ માનવામાં આવે છે. આના વિના શ્રી હરિ અને તેમના અવતારોની પૂજા અધૂરી માનવામાં આવે છે.

કંદમૂળ - રામ નવમી પર ભગવાન રામને કંદમૂળ અથવા મીઠા બોર અર્પણ કરો. પૌરાણિક કથા અનુસાર, ભગવાન રામે તેમના વનવાસ દરમિયાન કંદમૂળ ખાધું હતું. આ ઉપરાંત બોર પણ રામજીનો પ્રિય ભોગ છે. એવું માનવામાં આવે છે કે તેનાથી પરિવારમાં ખુશીઓ આવે છે. સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે

કેસર ભાત - રામ નવમી પર ઘરમાં કેસર ભાતનો ભોગ રામલલાને ચઢાવો. એવું માનવામાં આવે છે કે ભગવાન રામને કેસર ભાતનો ભોગ ચઢાવવાથી દરિદ્રતાનો નાશ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application