આપણે ફિલ્મોમાં અને બોધપાઠની વાર્તાઓમાં ઘણીવાર જોયું હોય કે, એક રૂપિયામાંથી કેવી રીતે 100 રૂપિયા અને 100 માંથી હજાર અને હજારમાંથી 10 હજાર અને લાખો કમાઈને આર્થિક રીતે પગભર થઈ શકાય. કંઈક આવો જ કિસ્સો વલસાડ શહેરના ધોબીતળાવમાં જોવા મળ્યો છે. જ્યાં એક પરિવારમાં કોરોનાકાળ સમયે ઘરના આધારસ્તંભ સમાન પતિનું અવસાન બાદ પત્ની પર બાળકોના ભરણપોષણની જવાબદારી આવી પડી હતી. આ કઠિન સમયમાં નિરાધારનો આધાર બનેલી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના આ પરિવાર માટે કેવી રીતે આર્શીવાદરૂપ પૂરવાર થઈ? એક મહિલાનો સંઘર્ષ અને નારી શક્તિની હિંમતને સરકારની યોજનાએ કેવી રીતે બળ પુરૂ પાડ્યુ? અને મહિલા કેવી રીતે આર્થિક રીતે પગભર થઈ તે જાણીએ.
વલસાડ શહેરના ધોબી તળાવમાં શ્રીરામ મોહલ્લામાં રહેતા વૈશાલીબેન ગોરપાડેના પતિ મનોજભાઈ ટેમ્પો ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા દરમિયાન કોરોના સમયે તાવ આવતા તા. 14 સપ્ટેબર 2021ના રોજ મોત થયું હતું. કોરોનાના કપરા કાળમાં જ્યારે લોકોના ધંધા-રોજગાર પડી ભાંગ્યા હતા ત્યારે જ પરિવારના આધારસ્તંભ ગણાતા મનોજભાઈનું મોત થતા પત્ની વૈશાલીબેન ઉપર આભ તૂટી પડ્યું હતું. પોતાના જીવન નિર્વાહની સાથે 10 વર્ષીય પુત્ર દક્ષેશ અને 6 વર્ષીય પુત્રી આરવીની જવાબદારી પણ શિરે આવી પડી હતી.
પરિવારનું ગુજરાન ચલાવવા માટે નોકરી શોધવા અનેક ધક્કા ખાધા પરંતુ માત્ર 10 ભણેલા હોવાથી નોકરી ન મળી. છેવટે સંબંધીઓ પાસે ઉધારમાં પૈસા લઈ રેડિમેઈડ કપડા ઘરે ઘરે ફરીને વેચવાનું ચાલુ કર્યું પરંતુ તેમાંથી ઘર ખર્ચના પૈસા પણ છૂટતા ન હતા. જેથી સરકાર તરફથી બીપીએલ રેશન કાર્ડ મળશે તો ફ્રીમાં અનાજ મળશે એમ વિચારી વલસાડ નગરપાલિકામાં ગયા હતા ત્યારે પાલિકાના કર્મચારી વૈશાલીબેન અને કૌશિકાબેને પૂછ્યું કે, તમે શું કામ કરો છો? ત્યારે આખી કરમની કઠણાઈ જણાવી હતી. જેથી પાલિકા કર્મીએ નાના પાયે ધંધો ચાલુ કરી રોજગાર મેળવવાપ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું.
સૌથી ખાસ વાત એ કે, આ યોજનામાં લોન લેવા માટે કોઈ ગેરંટીની જરૂર નથી. જેથી ફોર્મ ભરવાથી માંડીને તમામ પ્રોસિઝર પુરી કરી એક મહિનામાં બેંકમાંથી રૂ. 10,000ની લોન મળતા તેમની સાથેજ રહેતી બહેન જયોતિ પાનસરાને જાણ કરતા તેમણે પણ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાંથી 10 હજાર લોન મેળવી. આમ બંને બહેનોએ3 માસ પહેલા કુલ 20 હજારની લોન મેળવી મુંબઈથી લેડીઝ ગારમેન્ટના રેડીમેઈડ કપડા લાવી વેચવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે ધંધો સફળતા તરફ ડગ માંડવા લાગ્યો તો ગ્રાહક બંધાતા ગયા અને હવે લોકોના ઘરે ઘરે ફરીને વેચવાને બદલે પોતાના ઘરેથી જ કપડા વેચી બંને બહેનો પ્રજા અને સરકાર વચ્ચેકડીરૂપ ગણાતી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો લાભ મેળવી મહિને 15 હજારથી 30 હજાર રૂપિયા કમાઈ રહી છે.
પાલિકા દ્વારા વખતો વખત કરાતા ફનફેરમાં પણ બંને બહેનો સ્ટોલ લગાવી આજીવિકા મેળવી રહી છે.આ ઉપરાંત મિશન મંગલમ યોજના હેઠળ પોતાની દીકરીના નામે આરવી સખી મંડળની શરૂઆત કરી આર્થિક રીતે સહાય મેળવી રહી છે તથાગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય યોજના) માં પણ મહિને રૂ. 1250ની સહાય સરકારશ્રી દ્વારા મળતા તેમનો પરિવાર ખુશહાલીથી જીવન જીવી રહ્યો છે.
સરકારશ્રીની મદદથી આત્મનિર્ભર બનેલા ગંગાસ્વરૂપ વૈશાલીબેને જણાવ્યું કે, સરકારની આ યોજનાનો લાભ મળતા હવે ધંધા માટે પૈસા લેવા કોઈ પાસે હાથ લંબાવવા પડતા નથી. સ્વમાનભેર જીવન જીવી રહ્યા છે. ઘર ખર્ચ પણ નીકળી રહ્યો છે સાથે બચત પણ થઈ રહી છે.આ રીતે સરકારની સહાયથી અમારી દુકાન ચાલુ કરવાનું સપનું પણ સાકાર કરીશું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500