દિલ્હી હાઇકોર્ટે ગેરકાયદેસર રીતે એક શખ્સને અડધો કલાક લોકઅપમાં બંધ કરવા બદલ પોલીસને રૂપિયા 50,000 નું વળતર ચુકવવાનો આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ સુબ્રમણ્યમ પ્રસાદે દાખલો બેસાડવા માટે જવાબદાર પોલીસ અધિકારીઓના પગારમાંથી વળતર ચુકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે, અધિકારીઓએ અરજકર્તાની સ્વતંત્રતા અથવા કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વગર મનસ્વી રીતે કાર્ય કર્યુ હતું. પોલીસે કોઇ પણ કારણ વગર વ્યકિતને ઘટના સ્થળેથી ઉપાડી લઇને લોકઅપમાં નાખી દીધો હતો.
કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, અરજકર્તાએ લોકઅપમાં પસાર કરેલો સમય પછી ભલે ને તે થોડો હોય એ પોલીસ અધિકારીઓને મુક્ત ન કરી શકે જેમણે કાયદા દ્વારા સ્થાપિત યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વગર અરજકર્તાને તેની સ્વતંત્રતાથી વંચિત કરવામાં આવ્યો હતો. ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે, અમે પોલીસ અધિકારીઓને સાર્થક સંદેશ આપવા માગીએ છીએ કે પોલીસ અધિકારી જાતે કાયદા બનાવી ન શકે. અરજકર્તાએ જણાવ્યું હતું કે પોલીસ એફ.આઇ.આર. વગર જ તેમને ઉપાડીને લઇ ગઇ હતી. એક મહિલા અને શાકભાજીના વેપારી વચ્ચે થયેલા ઝઘડા અંગે ફરિયાદ થયા પછી પોલીસ તેમની ધરપકડ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500