Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રધાનમંત્રી 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના કેવડિયામાં એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે

  • October 29, 2020 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર, 2020ના રોજ ગુજરાતના કેવડિયામાં “લોહપુરુષ” સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપક્રમે એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે.

 

 

શ્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર શ્રદ્ધાસુમન અર્પણ કરશે, એકતા માટેની પ્રતિજ્ઞા લેવડાવશે અને આ પ્રસંગે એકતા દિવસની પરેડના સાક્ષી બનશે.

 

પ્રધાનમંત્રી કેવડિયામાંથી વીડિયો કોન્ફન્સ મારફતે મસૂરી સ્થિત લાલબહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય વહીવટી અકાદમી (એલબીએસએનએએ)ના પ્રોબેશનરી અધિકારીઓને સંબોધિત કરશે. આ વર્ષ 2019માં પહેલીવાર શરૂ થયેલા ઇન્ટિગ્રેટેડ ફાઉન્ડેશન કોર્સ આરંભનો ભાગ છે.

 

 

કેવડિયાના સંકલિત વિકાસના ભાગરૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30મી અને 31મી ઓક્ટોબર, 2020ના રોજ વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.

 

 

એમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની એકતા ક્રૂઝ સર્વિસને લીલી ઝંડી આપવી, એકતા મોલનું ઉદ્ઘાટન તથા ત્યાં ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્કનું ઉદ્ઘાટન સામેલ છે. શ્રી નરેન્દ્ર મોદી યુનિટી ગ્લો ગાર્ડનમાં સંયુક્ત રાષ્ટ્રની તમામ ભાષાઓમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વેબસાઇટનું પણ લોકાર્પણ કરશે તથા કેવડિયા એપ લોંચ કરશે.

 

 

પ્રધાનમંત્રી કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટને જોડતી સીપ્લેન સેવાનો પણ પ્રારંભ કરાવશે.

 

એકતા ક્રૂઝ સર્વિસ

 

એકતા ક્રૂઝ સર્વિસ દ્વારા કોઈ પણ વ્યક્તિ શ્રેષ્ઠ ભારત ભવનથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીના 6 કિલોમીટરના અંતરમાં ફેરી બોટ સર્વિસ દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના શ્રેષ્ઠ અને રોમાંચક નજારાને જોઈ શકે છે. આ 40 મિનિટની સફર એક બોટમાં થઈ શકશે, જેમાં એકસાથે 200 પેસેન્જર સવાર થઈ શકે છે. ન્યૂ ગોરા બ્રિજ ફેરી સર્વિસની કામગીરી માટે ખાસ બનાવવામાં આવ્યો છે. બોટિંગ ચેનલનું નિર્માણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેનાર પ્રવાસીઓને બોટિંગ સેવા પ્રદાન કરવા થયું છે.

 

 

એકતા મોલ

 

 

આ મોલમાં ભારતની વિવિધતામાં એકતાનું દર્શન કરાવતી હસ્તકળા અને પરંપરાગત ચીજવસ્તુઓની વિવિધ રેન્જ પ્રદર્શિત થશે. આ મોલ 35000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. તેમાં 20 એમ્પોરિયા સામલે છે, જે ભારતના દરેક રાજ્યનું ચોક્કસ રીતે પ્રતિનિધિત્વ કરે છે જેનું નિર્માણ ફક્ત 110 દિવસમાં થયું છે.

 

 

ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્ક

 

 

આ બાળકો માટે વિશ્વનો સૌપ્રથમ ટેકનોલોજી સંચાલિત ન્યૂટ્રિશન પાર્ક છે, જે 35000 ચોરસ ફૂટમાં પથરાયેલો છે. એક ન્યૂટ્રિ ટ્રેન પાર્કમાં ફરશે અને વિવિધ રોમાંચક થીમ આધારિત સ્ટેશન પર ઊભી રહેશે. આ સ્ટેશનના નામ ‘ફલ્શાકા ગ્રિહામ’, ‘પાયોનગરી’, ‘અન્નપૂર્ણા’, ‘પોષણ પુરાણ’ અને ‘સ્વસ્થ ભારતમ’ છે. આ મિરર મેઝ, 5ડી વર્ચ્યુઅલ રિયાલિટી થિયેટર અને ઓગમેન્ટેડ રિયાલિટી ગેમ્સ જેવી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા પોષણ સંબંધમાં જાગૃતિ લાવશે.

 

 

આરંભ 2020

 

 

આરંભ એક પહેલ છે, જેનો આશય અખિલ ભારતીય સેવા, ગ્રૂપ-એ કેન્દ્ર સરકારની સેવા અને વિદેશી સેવાના તાલીમી અધિકારીઓને એક સરખા ફાઉન્ડેશન કોર્સ (સીએફસી) માટે એકમંચ પર લાવવાનો છે. સીએફસી પાછળનો આશય સનદી અધિકારી તરીકેની કારકિર્દીની શરૂઆતથી જ વિભાગો અને સેવાઓની અગાઉથી ચાલી આવતી પરંપરાઓને તોડવાનો અને નાગરિકોને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા નવો ચીલો ચાતરવાનો છે. આરંભનો ઉદ્દેશ સનદી અધિકારીઓને તમામ વિભાગો અને ક્ષેત્રોમાં પરિવર્તન માટે નેતૃત્વ લેવા અને શ્રેષ્ઠ કામ કરવા સક્ષમ બનાવવાનો છે.

 

 

“આરંભ”ની શરૂઆત વર્ષ 2019માં 94મા ફાઉન્ડેશન કોર્સના ભાગરૂપે થઈ હતી, જેમાં 20 સેવાઓના તાલીમી અધિકારીઓ (ઓટી) ગુજરાતના કેવડિયામાં સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટમાં એક અઠવાડિયા લાંબા કાર્યક્રમમાં સહભાગી થાય છે. આ કાર્યક્રમના અંતે આદરણીય પ્રધાનમંત્રી સમક્ષ રજૂઆત થાય છે, પછી તેઓ તાલીમી અધિકારીઓને સંબોધિત કરે છે.

 

 

આરંભ 2020નું બીજું સંસ્કરણ ચાલુ વર્ષે 14થી 31 ઓક્ટોબર, 2020ના રોજ એલબીએસએનએએમાં યોજાયુ છે, જેમાં 18 સેવાઓના 428 તાલીમી અધિકારીઓ અને રૉયલ ભૂટાન સેવાના ત્રણ અધિકારીઓ સહભાગી થયા છે. જોકે પ્રવર્તમાન રોગચાળાની સ્થિતિને કારણે ચાલુ વર્ષે આરંભ 2020 વર્ચ્યુઅલ માધ્યમ થકી યોજાયો છે, જેની થીમ તરીકે “ગવર્નન્સ ઇન ઇન્ડિયા @100” છે. એની પેટા થીમ “એક ભારત શ્રેષ્ઠ ભારત”, “આત્મનિર્ભર ભારત” અને “નવીન ભારત” છે, જેમાં ભારતમાં સાંસ્કૃતિક વિવિધતા અને સમન્વયના પ્રભાવ ભાર મૂકવામાં આવ્યો છે. એમાં આર્થિક વિવિધતા અને એકતાની તાકાત, ઊર્જા, સ્વાસ્થ્યમાં આત્મનિર્ભરતા, બ્લેક સ્વાન ઇવેન્ટ એટલે કે અનપેક્ષિત સ્થિતિસંજોગોમાં મોટી વ્યવસ્થાઓ ઊભી કરવા પર, શિક્ષણ, ઉદ્યોગ અને વહીવટીમાં સંશોધન અને નવીનતા પર ભાર મૂકવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application