Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યુકેની ચૂંટણીમાં મૂળ ગુજરાતી શિવાની રાજાની જીત, શિવાની રાજાનો પરિવાર છે દીવનો

  • July 07, 2024 

યુકેની સામાન્ય ચૂંટણીમાં મૂળ ગુજરાતી શિવાની રાજા પણ જીતતાં બ્રિટનની સંસદમાં પ્રીતિ પટેલ પછી વધુ એક ગુજરાતી યુવતીની એન્ટ્રી થઈ છે. શિવાની રાજાનો પરિવાર મૂળ દીવનો છે. 1994ના જુલાઈમાં જન્મેલાં શિવાની માત્ર 30 વર્ષનાં છે. લેસ્ટરમાં 2022માં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ પછી ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાની ઘટના બની હતી. તેના કારણે હિંદુ અને મુસ્લિમો વચ્ચે થયેલા ઘર્ષણને કારણે મતો વહેંચાઈ જતાં શિવાનીને ફાયદો થયો છે. શિવાની રાજા 2017માં મિસ ઈન્ડિયા-યુકે સ્પર્ધામાં સેમી ફાઈનલિસ્ટ હતી. શિવાનના પિતા ગુજરાતથી જ્યારે માતા કેન્યાથી ૧૯૭૦ના દાયકામાં બ્રિટન આવ્યાં હતાં અને રશી મીડમાં સ્થાયી થયાં.


શિવાનીએ સોર વેલી કોલેજમાં ભણ્યા પછી ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીમાં ફાર્માસ્યુટિકલ એન્ડ કોસ્મેટિક સાયન્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. શિવાની રાજાએ ઋષિ સુનકની કન્ઝર્ર્વેટિવ પાર્ટીની ટિકિટ પર ભારતીયોની મોટા પ્રમાણમાં વસતી ધરાવતી લેસ્ટર ઈસ્ટ બેઠક પરથી જીત મેળવી છે. શિવાની પહેલી જ વાર ચૂંટણી લડયાં હતાં. શિવાનીની જીતે યુકેમાં ચકચાર જગાવી દીધી છે કેમ કે લેસ્ટર ઈસ્ટ બેઠક લેબર પાર્ટીનો ગઢ ગણાય છે. આ બેઠક પર વરસો સુધી લેબર પાર્ટીના ભારતીય મૂળના નેતા કેઈથ વાઝ જીત્યા હતા. ગોઆમાં મૂળિયાં ધરાવતા કેઈથ વાઝ 1987થી 2019 સુધી સળંગ 32 વર્ષ સુધી લેસ્ટર ઈસ્ટના સાંસદ હતા. 2019માં પણ લેબર પાર્ટીનાં ક્લોડિયા વેબ જીત્યાં હતાં.


લેસ્ટર ઈસ્ટ બેઠક પર શિવાનીની ટક્કર ભારતીય મૂળના નેતા અને લેબર પાર્ટીના ઉમેદવાર રાજેશ અગ્રવાલ સામે હતી. લંડનના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલનો પરિવાર મૂળ ઈન્દોરનો છે. આ ચૂંટણીમાં શિવાની રાજાને 14,526 જ્યારે દિનેશ અગ્રવાલને 10,100 મત મળતાં શિવાનીની 4.426 મતે જીત થઈ છે. લિબરલ ડેમોક્રેટ પાર્ટીના ઝફર હકે 6,329 મત મેળવીને લેબર પાર્ટીના મતોમાં ગાબડું પાડતાં શિવાનીની જીત પાકી થઈ ગઈ. 2019માં જીતનારાં સાંસદ ક્લોડિયા વેબ 5,532 મત મેળવીને ચોથા સ્થાને જ્યારે સળંગ 32 વર્ષ સુધી સાંસદ રહેલા કેઈથ વાઝ માત્ર 3,681 મત મેળવીને પાંચમા સ્થાને રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application