ઉત્તરપ્રદેશનાં ગૌતમ બુદ્ધ નગર જિલ્લાનાં દનકૌર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે ધુમ્મસનાં કારણે આગળ જતા કન્ટેનર સાથે બસ અથડાઈ હતી. જોકે આ અકસ્માતમાં બે ડઝન લોકો ઘાયલ થયા છે. જ્યારે એક મુસાફરનું મોત થયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. મળતી માહિતી અનુસાર, ગાઢ ધુમ્મસને કારણે આજરોજ વહેલી સવારે ગલગોટિયા યુનિવર્સિટી નજીક ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસ વે પર એક ડબલ ડેકર બસ એક ચાલતા કન્ટેનર સાથે અથડાઈ હતી. ટક્કર માર્યા બાદ બસનું સંતુલન બગડ્યું અને રેલિંગ તોડીને લગભગ 30 ફૂટ નીચે પડી.
જોકે અકસ્માત સમયે બસમાં 60 જેટલા લોકો સવાર હતા જેમાં 24 લોકો ઘાયલ થયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. જયારે 21 ઘાયલોની જીમ્સ હોસ્પિટલમાં અને 3 ઘાયલોની કૈલાશ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઈજાગ્રસ્ત બસમાં ફસાયેલા ડ્રાઈવરને લગભગ 2 કલાકની મહેનત બાદ બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં એક ખાનગી ડબલ ડેકર બસ મધ્યપ્રદેશનાં છતરપુરથી યમુના એક્સપ્રેસ વે થઈને દિલ્હી આવી રહી હતી. ત્યારબાદ દાનકૌર વિસ્તારમાં ગલગોટિયા યુનિવર્સિટી પાસે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી હતી, જેના કારણે બસ ડ્રાઈવર ટમેટાના કન્ટેનરને આગળ જતા જોઈ શક્યો ન હતો અને બસ કન્ટેનર સાથે અથડાઈ હતી.
જેના કારણે બસે સંતુલન ગુમાવ્યું અને બસ એક્સપ્રેસ વે પરથી નીચે પડી ગઈ. માહિતી પર પહોંચેલી પોલીસ અને એક્સપ્રેસ વેના કર્મચારીઓએ ભારે જહેમત બાદ ડ્રાઈવર અને મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા અને હોસ્પિટલમાં દાખલ કર્યા. બસ ડ્રાઇવર લલિતપુર નિવાસી ગુડ્ડુનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે ઘાયલોની સારવાર ચાલી રહી છે. આ પછી ઘાયલોને લેવા આવેલી એમ્બ્યુલન્સ પણ અન્ય વાહન સાથે અથડાઈ હતી. દરમિયાન, અન્ય એક ડબલ ડેકર બસને પણ પોલીસે અકસ્માતનો ભોગ બનતા બચાવી લીધી હતી. કોતવાલી પ્રભારી સંજય સિંહનું કહેવું છે કે, ધુમ્મસના કારણે આ અકસ્માત થયો છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોના પરિજનોને પણ જાણ કરવામાં આવી રહી છે. આ સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500