ગાંધીનગર શહેરના સેક્ટર 26મા આવેલા ડી-માર્ટમાંથી ખરીદેલી બરણીમાં પેકિંગ ગોળ એક્સપાયર ડેટનો નીકળતા ગ્રાહક દ્વારા ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં કોર્ટ દ્વારા ડીમાર્ટ અને કંપનીનો જવાબ મેળવવામાં આવ્યો હતો અને આખરે આ મામલે ચુકાદો આપીને બંનેને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જેમાંથી 50 ટકા રકમ ગ્રાહકને આપવા અને બાકીની 50 ટકા ગ્રાહક કલ્યાણ ફંડમાં જમા કરાવવા આદેશ કરાયો હતો. આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરના સેકટર-19 ખાતે રહેતા પંકજભાઈ મહેશભાઈ આહિરે સેકટર-26 સ્થિત ડીમાર્ટ મોલમાંથી હંગર ટેબલ ગોળની બે બરણી 130 રૂપિયામાં ખરીદ્યા હતા.
જેનાં પેકિંગ ઉપર જાન્યુઆરી 2022 અને ડિસેમ્બરની અલગ-અલગ પેકેજિંગ તારીખો ધરાવતા બે સ્ટીકરો મારવામાં આવ્યા હતા અને ગોળનો ઉપયોગ પેકેજિંગ તારીખના છ મહિનાની અંદર કરવાનો ઉલ્લેખ હતો. આ મામલે તેમનાં દ્વારા ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે કેસ કન્ઝયુમર કોર્ટના અધ્યક્ષ ડી. ટી. સોની સમક્ષ ચાલી જતાં બંને પક્ષોની દલીલનાં અંતે કોર્ટે નોંધ્યું હતું કે, ખોટી પેકેજિંગ તારીખો સાથે નવા સ્ટીકર ચોંટાડયા પછી એક્સપાયર થઈ ગયેલી ખાદ્ય ચીજોનું વેચાણ કરીને ગ્રાહકને છેતરવામાં આવ્યા હતા. જોકે ડી-માર્ટ દ્વારા રજૂઆત કરાઈ હતી કે, તેના કામદારો દ્વારા સ્ટીકર ચોંટાડવામાં ભૂલ થઈ શકે છે.
એટલે આયોગના પ્રમુખ ડી.ટી સોની અને સભ્ય જે.પી જોશીએ દલીલને ફગાવી દઈ કહ્યું હતું કે, આ બાબત ઉપજાવી કાઢેલી છે. સ્ટીકરને ભ્રામક રીતે લાગુ કરી દેવામાં ઉણપ તેમજ અન્યાય વ્યાપાર વ્યવહાર અપનાવ્યો છે. મજૂરોની અજાણતામાં થયેલી ભૂલ હોવાનું કારણ ખોટું છે. જેના પગલે કોર્ટે કંપની અને ડીમાર્ટને એક લાખ રૂપિયાનો દંડ કર્યો છે. જેમાંથી 50 ટકા રકમ ફરિયાદી અને 50 ટકા ગ્રાહક કલ્યાણ ફોરમમાં જમા કરાવવા આદેશ કરવામાં આવ્યો છે. આદેશની નકલ નાગરિક પુરવઠા બોર્ડ અને ડ્રગ્સ વિભાગને મોકલી આપવા પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500