કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગુજરાત રાજ્યના ૧૮ જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની "ઓપરેશન અભ્યાસ"ના ભાગરૂપે મોકડ્રિલનું આયોજન કરાયું છે. જે અન્વયે તાપી જિલ્લામાં પણ સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન "ઓપરેશન અભ્યાસ"અંતર્ગત તા.૦૭-૦૫-૨૦૨૫ના રોજ સાંજે ૦૪ કલાકે જિલ્લાના મહત્વના ચાર સ્થળો જેમાં જે. કે પેપરમીલ, ઉકાઈ હાઈડ્રો પાવર સ્ટેશન, ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન, તેમજ કાકરાપારા ટાઉનશીપ ખાતે મોકડ્રિલ યોજાશે.
આ ઉપરાંત આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે બ્લેક આઉટ (અંધારરપટ)ની મોકડ્રીલ તારીખ ૭ મે ૨૦૨૫ના રોજ રાત્રે ૭.૪૫ થી ૮.૧૫ એટલે કે ૩૦ મિનિટ સુધી બ્લેક આઉટનું આયોજન કરાયું છે. જેમાં જિલ્લાવાસીઓને સ્વેચ્છાએ પોતાના ઘરની લાઈટ બંધ કરવા વહીવટી તંત્ર તરફથી અપીલ કરાઈ છે. આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની લાઇટ ચાલુ ના રાખવામાં આવે તે માટે પણ અનુરોધ કરાયો છે. અત્રે નોંધનીય છે કે, આ મોકડ્રિલ યોજવાનો ઉદ્દેશ કઠિન પરિસ્થિતિમાં જાહેર જનતા કઈ રીતે સરકારને મદદરૂપ થઈ શકે તે સુનિશ્ચિત કરવા સાથે સ્થાનિક તંત્ર સાથે સહયોગ સાધવા માટેનો છે. આ મોકડ્રીલથી નાગરિકોને ડર કે ભય અનુભવવાની જરૂરિયાત નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500