Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લગ્નનો ઈન્કાર કરનાર મહિલાને પ્રેમીએ આંખમાં મરચાંની ભૂંકી નાંખી ભાગે ચપ્પુના જીવલેણ ઘા ઝીંક્યા

  • February 15, 2025 

પ્રેમીઓના દિવસ ગણાતાં વેલેન્ટાઈન ડેએ પ્રેમ વહેંચવાને બદલે પોતાના પ્રેમનો અસ્વીકાર કરી લગ્નનો ઈન્કાર કરનાર ૩૫ વર્ષીય પરિણીતાને પ્રેમીએ ગોડાદરા પાસે જાહેરમાં આંતરી આંખમાં મરચાંની ભૂંકી નાંખી ક્રૂરતાપૂર્વક પેટ અને પીઠના ભાગે ચપ્પુના જીવલેણ ઘા ઝીંક્યા હતા. હુમલામાં આ મહિલાને જઠર, ફેફસાં, ઉદરોદરપટલ અને આંતરડાંમાં ગંભીર ઈજા થઈ હોવાનું બહાર આવ્યું હતું.


મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ લીંબાયતમાં રહેતી ૩૫ વર્ષીય પરિણીતા કાપોદ્રા હીરાબાગ વિસ્તારમાં આવેલાં કારખાનામાં અને પતિ કાપડના કારખાનામાં કામ કરે છે. જોકે શુક્રવારે સવારે તે રાબેતા મુજબ નોકરીએ જવા નીકળી હતી. સવારે સવા આઠ વાગ્યાના અરસામાં ગોડાદરા અવધ ઋતુરાજ ટેક્ષ્ટાઇલ હબ સામે તેને કામરેજનાં અમિત ઠાકોરે આંતરી લીધી હતી. બંને પહેલાં વરાછામાં સાથે કામ કરતા હતા ત્યારથી પરિચયમાં હતા. આ યુવક સાથે તે ફોન પર સતત વાતો પણ કરતી હતી. બંને પરિણીત હોવા છતાં યુવક આ પરિણીતાને લગ્ન માટે દબાણ કરતો હતો.


પોતે પરિણીત હોવાથી લગ્નનો ઈન્કાર કરતાં તેની હત્યાના ઇરાદે સવારે લીંબાયતના પોતાના ઘરેથી નીકળી ત્યારથી જ આ શખ્સ પીછો કરતો આવ્યો હતો. ગોડાદરામાં તક મળતાં જ આંખમાં મરચાંની ભૂંકી નાખી ચપ્પુ વડે પેટ અને પીઠના ભાગે ઉપરા છાપરી ઘા ઝીંકી ભાગી છૂટ્યો હતો. યુવતીને લોહી નીકળતી અવસ્થામાં નજીકના ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કોલ મળતાં જ ગોડાદરા પોલીસ ઈન્સપેક્ટર એચ.એસ. આચાર્ય સહિતનો કાફલો હોસ્પિટલમાં દોડી ગયો હતો. હુમલાને કારણે યુવતીને જઠર, ફેફસાં, ઉદરોપટલ અને આંતરડાંમાં ગંભીર ઇજા થઈ હોવાનું બહાર આવતાં પોલીસે હત્યાની કોશિશ અને છેડતીની કલમ અંતર્ગત ગુનો નોંધી અમિત ઠાકોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application