Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારત ૩ મહિનામા ૪૦૦ ચીની કંપનીઓની માન્યતા રદ કરી શકે

  • August 05, 2024 

વૈશ્વિક મહાસત્તા બનવા માટે ભારત અમેરિકા અને પશ્ચિમી દેશો સારા સંબંધ રાખીને તાલથી તાલ મિલાવી આગળ વધી રહ્યું છે તો બીજી તરફ દરેક ક્ષેત્રે ભારતના કટ્ટર પ્રતિદ્વંદ્વી ચીનને લપડાવ આપવા પણ કટિબદ્ધ છે. ભારત સરકાર ચીન પર વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકની તૈયારી કરી રહ્યું છે. અહેવાલ અનુસાર ભારત ૩ મહિનામાં ૪૦૦ ચીની કંપનીઓની માન્યતા રદ કરી શકે છે. કેન્દ્ર સરકારના નેજા હેઠળનું મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ આગામી ત્રણ માસમાં દેશના ૧૭ રાજ્યોમાં રજિસ્ટર્ડ ૪૦૦ ચાઇનીઝ કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ કરી શકે છે. નાણાકીય ગોટાળા-ધાંધલબાજી અને અન્ય કેટલાક કારણોસર મંત્રાલય આ કાર્યવાહી કરી શકે છે.


એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, કોર્પોરેટ અફેર્સ મંત્રાલય ૭૦૦ કંપનીઓની તપાસ કરી રહ્યં છે. તેમાંથી ૬૦૦ ચાઈનીઝ કંપનીઓની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. તેમાંથી ૩૦૦-૪૦૦ કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. ખંભાતી તાળાની કગાર પર ઉભેલી કંપનીઓમાં લોન એપ, ઓનલાઈન જોબ વગેરે જેવા સેગમેન્ટની જ મોટાભાગની કંપનીઓનો સમાવેશ થાય છે. એમસીએ દેશમાં ચાલતી આ પ્રકારની લોન એપ્લિકેશનની છેલ્લા કેટલાક વર્ષોથી સઘન તપાસ કરી રહ્યું છે. આ એપ થકી લોન આપવા અયોગ્ય માધ્યમોનો ઉપયોગ થઈ રહ્યો છે અને નાણાંકીય નિયમોનું ઉલ્લંઘન કરીને જનતા સાથે છેતરપિંડી થઈ રહી હોવાની અનેક ફરિયાદો મળી છે.


તાજેતરના વર્ષોમાં ડિજિટલ લોન એપ્સની વધતી સંખ્યા આરબીઆઈ સહિત સરકારની ચિંતા વધારી રહી છે અને તેમાંની મોટાભાગની એપ ચીની કંપનીઓ સાથે સંકળાયેલી છે. આ કંપનીઓ પર કડક વસૂલાત, ખૂબ ઊંચા વ્યાજદર વસૂલવાનો અને અનૈતિક પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. આ સિવાય ભારતમાંથી ગેરકાયદેસર ફંડ અન્ય દેશોમાં ટ્રાન્સફર કરવાનો પણ આરોપ છે. અનેક કંપનીઓમાં ભારતીય ડાયરેક્ટર છે, જ્યારે બેન્ક એકાઉન્ટ ચીનથી ઓપરેટ થાય છે.


કંપની એક્ટની કલમ ૨૪૮ હેઠળ બિઝનેસ બંધ કરવાની પ્રક્રિયામાં ૩ મહિનાનો સમય લાગે છે. આ કંપનીઓને પહેલા નોટિસ મોકલીને જવાબ આપવા માટે કહેવામાં આવશે. એક મહિના પછી બીજી નોટિસ મોકલવામાં આવશે. જો બંને નોટિસનો કોઈ જવાબ નહીં મળે તો કંપનીનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. અધિકારીએ કહ્યું કે આ કાર્યવાહીનો સામનો કરનાર સંભવિત ૩૦૦-૪૦૦ કંપનીઓ હાલ દેશના ૧૭ રાજ્યોમાં હાજર છે જેમાં મોટાભાગની દિલ્હી, બેંગ્લોર, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, મુંબઈ, ચેન્નાઈ વગેરે સ્થળોએ સ્થિત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application