કોલકાતાની આર.જી. કર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર રેપ બાદ હત્યાની ઘટનાની દેશભરમાં ચર્ચા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મહિલાઓ સામેના અપરાધના કેસોમાં ઝડપથી ચુકાદા આવવા જરૂરી છે. મહિલાઓ અને બાળકો પર અત્યાચાર સમાજ માટે અત્યંત ગંભીર મામલા છે. કેસોના ઝડપી નિકાલ માટે વર્ષ ૨૦૧૯માં ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ કાયદો ઘડવામાં આવ્યો હતો તેમ વડાપ્રધાને કહ્યું હતું. સુપ્રીમ કોર્ટના ૭૫ વર્ષ નિમિત્તે દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મહિલાઓ અને બાળકો પર અત્યાચારની ઘટનાઓ સમાજ માટે ચિંતાજનક બાબત છે, દેશમાં ઘણા કડક કાયદાઓ છે જોકે તેનો સક્રિય રીતે અમલ કરવાની જરૂર છે.
જેટલા ઝડપથી નિર્ણયો લેવામાં આવશે એટલી વધુ સુરક્ષા મહેસુસ થશે. એક દિવસ પહેલા જ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મહિલાઓની સુરક્ષા મુદ્દે કડક સજાને લઇને મોદીને પત્ર લખ્યો હતો, જેના બીજા દિવસે મોદીએ આ નિવેદન આપ્યું હતું. દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડની ઉપસ્થિતિમાં મોદીએ મહિલાઓ અને બાળકોની સુરક્ષા અને ઝડપી ન્યાયનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આવા મામલાઓમાં જિલ્લા મોનિટરિંગ કમિટી કે જેમાં જિલ્લા જજ, જિલ્લા મેજિસ્ટ્રેટ અને એસપીનો સમાવેશ કરાયો છે તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જ્યારે મમતાના પત્રને ધ્યાનમાં રાખીને હાલમાં દેશમાં જે કાયદા છે તે અપરાધીઓને સજા આપવા માટે પુરતા છે.
બંગાળ સરકાર પણ તેનો કડક રીતે અમલ કરી શકે છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશમાં કટોકટી લાગુ કરીને ન્યાયપાલિકાનું ગળુ દબાવવામાં આવ્યું હતું. તેમણે આ દરમિયાન કોર્ટોના વખાણ પણ કર્યા હતા, તેમણે કહ્યું હતું કે જિલ્લા જ્યુડિશિયરી ભારતીય ન્યાય વ્યવસ્થાનો પાયો છે. આમ નાગરિકો સૌથી પહેલા જિલ્લા કોર્ટોમાં જતા હોય છે. તેથી જિલ્લાની કોર્ટો ન્યાયનુ પહેલુ પગલુ છે. જ્યારે દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે જિલ્લા સ્તરની ન્યાયપાલિકાઓ ન્યાય વ્યવસ્થાનું કરોડરજ્જુ છે. આ દરમિયાન તેમણે ન્યાય વ્યવસ્થામાં ટેક્નોલોજીના ઉપયોગના વખાણ કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૪૬.૪૮ કરોડ પેજના કોર્ટ રેકોર્ડ સ્કેન કરવામાં આવ્યા હતા. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ એ માત્ર વકીલો જ નહીં પણ આમ નાગરિકો માટે પણ મહત્વપૂર્ણ છે. દેશની જિલ્લા સ્તરની ન્યાયપાલિકાઓ દ્વારા વીડિયો કોન્ફરંસના માધ્યમથી ૨.૩ કરોડ કેસોની સુનાવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદી અને મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટના ૭૫ વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગરૂપે સ્ટેમ્પ અને સિક્કા બહાર પાડયા હતા. કાર્યક્રમમાં કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ, સુપ્રીમ કોર્ટ બાર અસોસિએશનના પ્રમુખ કપિલ સિબલ વગેરે હાજર રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500