ઉત્તરપ્રદેશનાં બદાયુમાં ફટાકડા ગોડાઉનમાં ભયાનક વિસ્ફોટ થયા બાદ બે માળની ઈમારત ધરાશાયી છે, જેમાં બે લોકોના મોત થયા છે. ઉસાવન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નગરિયા ચિકન ગામમાં શુક્રવારે સાંજે ફટાકડાના ગેરકાયદેસર ગોડાઉનમાં જોરદાર ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો. જેના કારણે બે માળનું મકાન ધરાશાયી થયું છે. મળતા અહેલાલો મુજબ, કાટમાળ નીચે દટાઈ જવાથી ફટાકડા વેચનાર સહિત બે લોકોનાં મોત થયા છે, જ્યારે ઈજાગ્રસ્ત બે લોકોને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસે જેસીબીની મદદથી બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ઉસાવન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નગરિયા ચિકન ગામના રહેવાસી વીરસહાયનો પુત્ર રાહુલ ઉર્ફે ઉમેશ ચંદ્ર હઝરતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફટાકડા બનાવવાનું લાઈસન્સ ધરાવે છે. હઝરતપુર શહેરમાં તેમની ફટાકડાની દુકાન છે. યુવક લગ્ન સહિતના સમારંભોમાં ફટાકડા માટે બુકિંગ લેવાનું કામ કરતો હતો, જોકે તેણે પોતાના ઘરમાં ગેરકાયદે ફટાકડાનો સંગ્રહ કર્યો હતો. એવું કહેવાય છે કે, શુક્રવારે તેમને શાહજહાંપુર જિલ્લાના કલાન શહેરમાં એક લગ્ન સમારોહમાં ફટાકડા લઈ જવાના હતા.
આ કારણે ઘરમાં ફટાકડાનો મસમોટો જથ્થો રખાયો હતો. રાહુલ, મનોજ અને તેના પરિવારના અન્ય સભ્યો ઘરમાં હાજર હતા. આ દરમિયાન સાંજે છ વાગ્યાની આસપાસ કોઈક કારણોસર ફટાકડા જોરદાર ધડાકા થયા, જેના કારણે મકાન ધરાશાયી થઈ ગયું. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે, બે માળનું મકાન એકઝાટકે ધરાશાયી થઈ ગયું હતું. વિસ્ફોટના પડઘાથી આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ત્રણ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ટીમ ત્રણ જેસીબીની મદદથી કાટમાળ દૂર કરવાનું તેમજ બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. રાહુલ અને મનોજના મૃતદેહ કાટમાળમાંથી મળી આવ્યા છે. વિસ્ફોટની માહિતી મળતાં જ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500