પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંએક ભયાનક અકસ્માતની ઘટના બની હતી જેમાં, એક મિની ટ્રક રસ્તા પરથી લપસીને ખાડામાં પડી જતાં તેમાં મુસાફરી કરી રહેલા પાંચ બાળકો સહિત એક પરિવારના ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં અન્ય નવ લોકો ઘાયલ થયા છે. બચાવ કાર્યમાં લાગેલા અધિકારીઓએ અકસ્માતની માહિતી આપી છે. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ પણ લોકોને મદદ કરી હતી.
રેસ્ક્યુ-1122 અનુસાર, આ મિની ટ્રક ખૈબરપખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાંથી પંજાબના ખુશાબ જિલ્લા તરફ આવી રહી હતી, ત્યારે આ અકસ્માત થયો હતો. આ અકસ્માત લાહોરથી લગભગ 250 કિલોમીટર દૂર ખુશાબનાપેંચ પીર વિસ્તારમાં થયો હતો. મળતી માહિતી મુજબ, એક વળાંક પર મિની ટ્રક રસ્તા પરથી લપસીને ખાડામાં પડી જતાં આ અકસ્માત થયો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, “પાંચ બાળકો સહિત 13 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે.”
નવ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.” કેટલાક પ્રત્યક્ષ દર્શીઓના જણાવ્યા અનુસાર, મિની ટ્રકના ડ્રાઈવરે વધુ ઝડપને કારણે કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો. પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે આ દુર્ઘટનામાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. નવાઝે અધિકારીઓને સૂચના આપી છે કે અકસ્માતમાં ઘાયલ લોકોને વધુ સારી સારવારની સુવિધા પૂરી પાડવામાં આવે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500