નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી સંકલન (વ) ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ૧૧ કલાકે યોજાઈ હતી. જેમાં ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીમસિંગભાઈ તડવી ઉપસ્થિત રહ્યા હતાં, અને પોતાના મતવિસ્તારના પ્રજાના પ્રશ્નોની લેખિત રજૂઆત કરીને આજે આ બેઠકમાં રૂબરૂ પરામર્શ અને નિરાકરણ માટે ચર્ચા કરી હતી. આ બેઠકમાં સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ રોડ-રસ્તા, વીજળી, પ્રધાનમંત્રી કુસુમ યોજના, પાણી પુરવઠા, મનરેગા તથા નર્મદા જિલ્લામાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા તથા કોલેજમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં ટકી રહે તેવા ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયમાં હોંશિયાર બને તેવા ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ખાસ ભાર મૂક્યો હતો.
સાથે-સાથે મેડીકલ કોલેજ, એન્જીનરીંગ, સરકારી કન્યા છાત્રાલય તથા બિરસા મુંડા યુનિવર્સિટી કોલેજ હોસ્ટેલ અને કેવડિયામાં બની રહેલા ટ્રાયબલ મ્યુઝીયમનું બાંધકામ ઝડપી થાય તે બાબતે બેઠકમાં ચર્ચા વિચારણા કરી કામ ક્વોલીટી વાળુ અને ટકાઉ થાય તે બાબત પર ભાર મૂક્યો હતો. સાથે શાળા કોલેજમાં દિકરીઓ માટે શૌચાલયની સુવિધા, પીવાના પાણીની સુવિધા સુનિશ્વિત કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખે કુમસગામ ખાતે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ૧૫ માં નાણાપંચની ગ્રાન્ટનો ઉપયોગ અને તેમાં સમાવિષ્ટ કામો ઝડપી પૂર્ણ કરવા સાથે નાંદોદમાં હાઈમાસ ટાવર, વન વિભાગ દ્વારા વન કુટીરના કામો, ૧૦ એકરથી મોટા તળાવોની આસપાસ વૃક્ષોનું વાવેતર, હિન્દુ દેવસ્થાન કમિટીમાં સમાવિષ્ટ મંદિરોની નોંધણી, ઓળખ સાથે મંદિરોના બેંક એકાઉન્ટનું સરકારશ્રી દ્વારા ઓડિટ અને વેરીફીકેશન, જિલ્લા આયોજનમાં સમાવિષ્ટ યોજનાના વિસ્તારના કામોની કામગીરી ઝડપી પૂર્ણ કરવા સાથે લોકોને પીવાના પાણીની સુવિધા અને રાજપીપળા ગાર્ડનમાં માછી સમાજને ફાળવેલી જમીન બાબતે તેમજ તેમના ઘરોને નોંધણી કરી પ્રોપર્ટી કાર્ડ બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે. મોદી દ્વારા જિલ્લાના અમલી કરવા અધિકારીઓને પ્રજાના જનપ્રતિનિધિ અને પ્રજા દ્વારા વર્ષો જુના પ્રશ્નો રજૂ કરાય તેને પ્રાધાન્ય આપી ઉકેલ લાવવા તેમજ જનપ્રતિનિધિઓના પરામર્શમાં રહીને યોગ્ય જવાબ મળે અને તેમના સૂચનોને ધ્યાને લેવા પણ જણાવ્યું હતું વિકાસના કામો નિયમ પ્રમાણે ગાઈડલાઈન મુજબ અને સમયસર અને એકબીજા વિભાગોના સંકલનમાં રહી યોગ્ય કો-ઓર્ડીનેશન કરીને પ્રજાના પ્રશ્નોને ઝડપી વાચા આપી જન સુખાકારીના કામો કરવા અનુરોધ કર્યો હતો અને એસ્પિરેશનલ જિલ્લાને મળતી ગ્રાન્ટનો સદઉપયોગ કરીને લોકોને સુખ સુવિધામાં વધારો થાય તેવા સૌને સામુહિક પ્રયાસ કરવા જણાવ્યું હતું. સરકારમાં અને ઉચ્ચ અધિકારીઓ અને વિભાગમાં જ્યા પત્ર લખીને ધ્યાન દોરવુ પડે ત્યા મને કહેજો તે અંગે વહીવટીતંત્ર દ્વારા પત્ર લખીને ફોલોઅપ કરીને કામનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે તેમા દરેક ડિપાર્ટમેન્ટે પ્રો એક્ટીવ પ્રયાસ અને પ્રયત્ન કરવા ખુબ જરૂરી અને આવશ્યક છે.
આ બેઠકમાં જિલ્લા માહિતી કચેરી દ્વારા તમામને રાજ્ય સરકાર દ્વારા વિકાસના કામો, ફ્લેગશીપ યોજના અંગેની પુસ્તિકા અને સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું. સંકલનની બેઠક બાદ જિલ્લામાં આગામી સમયમાં યોજાનારા ફાઈલેરિયા નિર્મૂલન સંબંધિત કાર્યક્રમના આયોજન, દેડિયાપાડા ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ, રોડ સેફ્ટી, કાયદો અને વ્યવસ્થા, હિટ એન્ડ રનના કિસ્સામાં પડતર કેસોની ચર્ચા, પંડિત દિનદયાલ ગ્રાહક મંડળની જિલ્લા તકેદારી સમિતિ, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકની યોજાઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500