ગાંધીનગર શહેર નજીક ઝુંડાલ નર્મદા કેનાલ પાસે અમદાવાદના મોટેરા ખાતે રહેતા રિક્ષા ચાલકને ચપ્પુ મારીને લૂંટી લેનાર બે શખ્સોને અડાલજ પોલીસે અંબાપુર નર્મદા કેનાલ પાસેથી ઝડપી લીધા હતા અને લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. આ આરોપીઓએ અગાઉ પણ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ ગુનાઓને અંજામ આપ્યો હોવાનું પણ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. બનાવની વિગત એવી છે કે, ગત મંગળવારે શહેર નજીક ઝુંડાલ નર્મદા કેનાલ પાસે અમદાવાદના સાબરમતી ખાતે રહેતા કેશવ તામરે નામના રીક્ષા ચાલકને ચપ્પુ મારીને રીક્ષામાં આવેલા બે શખ્સો દ્વારા લૂંટી લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી 54 હજારની મત્તા લૂંટી લેવામાં આવી હતી.
ત્યારબાદ કેશવ તેનો જીવ બચાવીને નજીકની ફેક્ટરીમાં જઈ સંતાઈ ગયો હતો. આ અંગે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેના પગલે પોલીસ દ્વારા આ લૂંટના ગુનાને અંજામ આપનાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાનમાં અડાલજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંબાપુર નર્મદા કેનાલ પાસે નંબર પ્લેટ વગરની રીક્ષા સાથે રાહુલ ઉર્ફે સુમનજી ઉર્ફે સોમાજી અગરાજી ઠાકોર (રહે.સિંગરવા અમદાવાદ) અને દિપેશ કનૈયાલાલ ચુનીલાલ અગ્રવાલ (રહે.ઓઢવ અમદાવાદ)ને ઝડપી લેવામાં આવ્યા હતા.
જેમની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી અને રિક્ષામાંથી ધોકો તેમજ ચપ્પુ પણ મળી આવ્યા હતા. જેથી પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા ઝુંડાલ પાસે રીક્ષા ચાલકને લૂંટી લીધો હોવાની કબુલાત પણ કરી હતી. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા અમદાવાદ અને ગાંધીનગરમાં અગાઉ પણ ચોરી અને લૂંટના ગુનાઓને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. બંને શખ્સો રિક્ષા લઈને નીકળતા હતા અને રસ્તામાં કોઈ વ્યક્તિની એકલતાનો લાભ લઇ લૂંટના ગુનાને અંજામ આપતા હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500