Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સમગ્ર દુનિયા સહીત દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઊજવણી થઈ

  • June 22, 2024 

સમગ્ર દુનિયામાં શુક્રવારે 21 જૂને 10માં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ધામધૂમથી ઊજવણી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં ડલ સરોવરના કિનારે શેર-એ-કશ્મીર આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્રમાં 7,000થી વધુ લોકો સાથે યોગ કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઊજવણી કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે, દુનિયા આજે એક નવા યોગ અર્થતંત્રને આગળ વધતા જોઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે શ્રીનગરના ડલ સરોવર ખાતે સવારે 6.30 કલાકે આયોજિત યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં તેમણે કહ્યું કે, ભારતમાં મેડિકલ પ્રવાસન પછી હવે  ઋષિકેશ, કાશીથી લઈને કેરળ સુધી યોગ પ્રવાસનનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. દુનિયામાં પ્રવાસીઓ એટલા માટે ભારત આવી રહ્યા છે, કારણ કે તેમણે યોગ શીખવો છે.


આજે યોગ રિટ્રીટ, યોગ રિસોર્ટ, એરપોર્ટ્સમાં, હોટેલ્સમાં યોગ માટે વિશેષ સુવિધાઓ અપાય છે. શ્રીનગરમાં નરેન્દ્ર મોદી સાથે સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઊજવણી થઈ હતી. આ વર્ષની થીમ 'સ્વયં અને સમાજ માટે યોગ' હતી. આ થીમ વ્યક્તિગત કલ્યાણ અને સામાજિક સદ્ભાવના બંનેને પ્રોત્સાહન આપવામાં યોગની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. દેશમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી યોગ કાર્યક્રમોના આયોજન થયા હતા. ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં મદરેસાઓમાં પણ યોગના કાર્યક્રમો યોજાયા હતા.


દુનિયાભરમાં શુક્રવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણી થઈ છે ત્યારે ભારતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ વહેલી સવારે યોગ કરીને આ ઊજવણીમાં ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું કે, યોગ માનવતાને ભારતની મોટી ભેટ છે. વર્તમાન સમયમાં કથળતી જીવનશૈલી સંબંધિત સમસ્યાઓના કારણે યોગનું મહત્વ વધ્યું છે. રાષ્ટ્રપતિ ભવનના અધિકારીઓએ પણ તેમની સાથે યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સમગ્ર વિશ્વના સમાજોને યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. દુનિયામાં જીવનશૈલી સંબંધિત સમસ્યાઓ વધી રહી છે ત્યારે માવન જીવનમાં યોગનું મહત્વ વધી ગયું છે. યોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીનું માધ્યમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application