આણંદનાં આંકલાવના કહાનવાડી તાબે લોલાપુરા અઠેવાલ સીમમાં સાડા ત્રણ વર્ષ પહેલા બે કુટુંબી પરિવારો વચ્ચે બોલાચાલી થયાં બાદ એક મહિલા સહિત ચાર શખ્સોએ પરિવાર ઉપર તલવાર, લોખંડનો પાઈપ અને લાકડાના ડંડાથી હુમલો કર્યો હતો. આ કેસમાં સત્ર ન્યાયાધીશની અદાલત, આણંદ દ્વારા તમામ ચાર શખ્સોને આજીવન કેદની સજા ફટકારી છે. કહાનવાડી તાબે લોલાપુરા અઠેવાલ સીમમાં રહેતા નરેન્દ્રસિંહ ગુલાબસિંહ પઢિયારને પડોસમાં રહેતા કુટુંબી રણજીતસિંહ સોમાભાઈ પઢિયાર સાથે અણબનાવ ચાલતો હતો. તેવામાં તા. ૨૩ માર્ચ ૨૦૨૦ના રોજ નરેન્દ્રસિંહ પોતાના ભાઈ પ્રવિણસિંહ, ભાભી રેખાબેન અને પિતા સાથે ખેતરમાં હાજર હતા, ત્યારે રણજીતસિંહે અપશબ્દો બોલી પ્રવિણસિંહ ઉપર તલવારથી હુમલો કર્યો હતો.
બાદમાં રણજીતસિંહ, જીતુભાઈ સામંતભાઈ પઢિયાર, સોમાભાઈ સામંતભાઈ પઢિયાર અને કૈલાશબેન રણજીતસિંહ પઢિયારે લોખંડની પાઈપ અને લાકડાના ડંડાથી નરેન્દ્રસિંહ અને તેના પરિવારને માર મારી નાસી છુટયાં હતાં. સ્થાનિકોએ ચારેય ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડયાં હતાં. આ અંગે નરેન્દ્રસિંહની ફરિયાદના આધારે આંકલાવ પોલીસે મહિલા સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તાજેતરમાં આ કેસ સત્ર ન્યાયાધીશની અદાલત, આણંદમાં ચાલી ગયો હતો. જેમાં ૧૫ મૌખિક અને ૩૫ દસ્તાવેજી પુરાવાઓ, વકીલોની દલીલોને ધ્યાને લઈ સત્ર ન્યાયાધીશની અદાલત, આણંદના જજ જગદીશકુમાર ડાહ્યાભાઈ સુથાર દ્વારા મહિલા સહિત ચારેય શખ્સોને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500