ફરી એકવાર અમેરિકાને લજવતી ઘટના સામે આવી છે. આ વખતે અમેરિકાનાં જ્યોર્જિયાની એક હાઈસ્કૂલમાં ગોળીબારની ઘટના બની છે જ્યાં ઓછામાં ઓછા 4 લોકો મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત વિન્ડરમાં અપાલાચી હાઇસ્કૂલમાં ગોળીબારમાં અન્ય 30 લોકો ઘાયલ પણ થયા હતા. શાળાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હવે સ્થિતિ નિયંત્રણમાં છે અને વિદ્યાર્થીઓને બપોરે ઘરે મોકલી દેવાયા હતા.
અમેરિકાના સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે પ્રત્યક્ષદર્શી વિદ્યાર્થી સર્જિયો કાલ્ડેરાએ દાવો કર્યો હતો કે જ્યારે અમે ગોળીબારનો અવાજ સાંભળ્યો ત્યારે અમે રસાયણશાસ્ત્રના ક્લાસમાં હતા. 17 વર્ષીય કાલ્ડેરાએ જણાવ્યું કે અમારા સાહેબે દરવાજો ખોલ્યો ત્યારે અન્ય શિક્ષક દોડીને આવ્યા અને તેમણે દરવાજો બંધ રાખવા કહ્યું. જ્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો એક ક્લાસમાં એકઠા થયા તો કોઈએ બહારથી જોરદાર રીતે દરવાજો ખખડાવ્યો અને બૂમો પણ પાડી. થોડીવાર પછી બધુ શાંત થયા પછી ફરી અકેવાર ગોળીબારનો અવાજ આવ્યો.
છેલ્લા બે દાયકામાં અમેરિકામાં શાળાઓ અને કોલેજોની અંદર ગોળીબારના સેંકડો મામલા સામે આવ્યા છે. તેમાં સૌથી ભયંકર ઘટના 2007માં વર્જિનિયા ટેક ખાતે બની હતી, જેમાં 30થી વધુ લોકોના મોત થયા હતા. આ હત્યાકાંડે અમેરિકામાં બંદૂકના કાયદા અને અમેરિકન બંધારણમાં બીજા સુધારા અંગે ઉગ્ર ચર્ચા જગાવી હતી, જે હથિયાર રાખવા અને ખરીદવાના અધિકારની બાંયધરી આપે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500