સુરત જિલ્લાનાં કડોદરા GIDC પોલીસે ઓનલાઈન સટ્ટો રમતા પાંચ આરોપીઓને ઝડપી પાડયા છે, જ્યારે ત્રણ આરોપીઓ વોન્ટેડ જાહેર કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ખાનગી રાહે મળેલી બાતમીના આધારે, કડોદરા સ્થિત શ્રી નિવાસ ગ્રીન સિટીની સાંઈ રેસિડેન્સીના એમ બિલ્ડિંગના રૂમ નંબર ૧૦૪માં દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન પોલીસને પાંચ વ્યક્તિઓ ઓનલાઈન સટ્ટો રમતા મળી આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓની ઓળખ પ્રવીણ ઉર્ફે અંકિત વિનોદભાઈ ઉપાધ્યાય, દીનાનાથ રામાધાર કુશવાહા, કરણ ચંદ્રીકા વિશ્વકર્મા, ચેતન કમલેશ શર્મા અને દીપક પ્રમોદ પટેલ તરીકે થઈ છે. જોકે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ તમામ આરોપીઓ ઉપરોક્ત સ્થળે ભાડેથી રહેતા હતા અને નોકરી કરતા હતા. પોલીસે સ્થળ પરથી ૧૮ મોબાઈલ ફોન, ૪ લેપટોપ, એક મોપેડ, જુદી જુદી બેંકોના ૬ એટીએમ કાર્ડ, ૫ પાસબુક અને ૨ ચેકબુક મળી કુલ રૂ.૩.૯૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ કેસમાં ત્રણ આરોપીઓ-રાહુલ પાટિલ, પાર્થ પસરીજા (રહે. કડોદરા) અને ભાર્ગવ સિંગસ્થળ પર હાજર ન મળતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ભાર્ગવ સિંગે સટ્ટો રમવા માટે જગ્યાની વ્યવસ્થા કરી આપી હતી, જયારે અન્ય વોન્ટેડ આરોપીઓ રાહુલ પાટિલ અને પાર્થ પસરીજાએ ઓનલાઈન સટ્ટો રમાડવામાં મદદ કરી હતી. બનાવ અંગે કડોદરા GIDC પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરે ગુન્હો નોંધી ગુનાની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500