ઉત્તરપ્રદેશનાં ફિરોઝાબાદનાં જસરાણા તાલુકા વિસ્તાર ગતરોજ સાંજે ભીષણ આગથી લપેટાઈ જતા પૂરો વિસ્તાર હચમચી ગયો હતો. જયારે મુખ્ય બજારમાં આવેલા વેપારીની 3 માળની બિલ્ડીંગનાં ભોંયરામાં બનેલા ફર્નિચરનાં શોરૂમમાં સાંજે 6:30 કલાકે આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આગે 3 માળનાં મકાનને લપેટમાં લઈ લીધું હતું. વેપારી પરિવારનાં સભ્યો બીજા અને ત્રીજા માળે બનેલા આવાસમાં ફસાઈ ગયા હતા. આગ એટલી ભીષણ હતી કે, પરિવારનાં સભ્યોને બચવાની તક મળી ન હતી. લગભગ 3 કલાક બાદ ફાયર એન્જિનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ત્યારબાદ ફાયર બ્રિગેડનાં જવાનો ઉપરના માળે પહોંચ્યા હતા. ત્યાં વેપારી પરિવારના 6 સભ્યોના સળગેલા મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોમાં બે મહિલા, એક યુવક અને ત્રણ બાળકોનો સામેલ છે. જસરાણા તાલુકાથી 14 કિમી દૂર મુખ્ય બજારમાં રમણ રાજપૂતના ત્રણ માળના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ફર્નિચર અને ઈલેક્ટ્રોનિક્સનો વ્યવસાય છે. તેમનો પરિવાર અને બે પુત્ર બીજા અને ત્રીજા માળે રહે છે. જસરાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આ દુકાન ઈલેક્ટ્રોનિક સામાન અને ફર્નિચરની હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આગનું કારણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ હોવાનું જણાય છે. આગને કાબૂમાં લેવા માટે આગ્રા, મૈનપુરી, એટાહ અને ફિરોઝાબાદથી 18 ફાયર ફાઈટર તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 12 પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીની પોલીસ પણ બચાવ કાર્યમાં લાગેલી છે. તેમણે જણાવ્યું કે, લગભગ 3 કલાક બાદ આગ પર કાબૂ મેળવી શકાયો. ફિરોઝાબાદમાં આગની ઘટનામાં 6 લોકોના મોત પર ઊંડું દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના પાઠવી છે. તેમણે અધિકારીઓને તાત્કાલિક રાહત કાર્યમાં લાગી જવા સૂચના આપી હતી. આ સાથે મૃતકોના પરિવારજનોને બે-બે લાખના આર્થિક સહાયનું એલાન કર્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500