ચૂંટણી પંચ આજે જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજ્યમાં છેલ્લી વખત 2014માં ચૂંટણી થઈ હતી. 370ની કલમ રદ કરાયા બાદ પહેલીવાર જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ભારતીય ચૂંટણી પંચે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને બંને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેરાત કરી છે. જેમાં જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને પહેલી ઓક્ટોબરે મતદાન થશે. તેમજ 4 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.
આ ઉપરાંત હરિયાણામાં પહેલી ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થશે અને તેનું પણ પરિણામ 4 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાત ન કરવા અંગે ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, તેથી મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજવા અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન અનેક તહેવારો પણ આવે છે. પિતૃ પક્ષ, નવરાત્રિ, દશેરા અને દિવાળી આવશે, તેથી હજુ સુધી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેરાત કરવામાં આવી નથી.
ચૂંટણી પંચે આજે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકો પરિવર્તન ઈચ્છે છે. તમામ લોકો ચૂંટણી માટે ઉત્સુક છે. અમારી ટીમે જમ્મુ કાશ્મીર અને હરિયાણાની પણ મુલાકાત લીધી હતી. અમે હવામાન સુધરવાની રાહ જોઈ રહ્યા હતા. અમરનાથ યાત્રા પૂરી થવાની રાહ જોવાઈ રહી હતી. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં 87.09 લાખ મતદારો છે. અહીં 20 લાખથી વધુ યુવાનો છે. ફાઈનલ મતદાર યાદી 20 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે. વર્ષ 2019માં કલમ 370 રદ કરાયા બાદ જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવી દેવાયું હતું. ત્યારથી ત્યાં રાજકીય પક્ષો રાજ્યનો સંપૂર્ણ દરજ્જો પરત કરવાની માંગ કરી રહ્યા હતા. સરકાર તરફથી વારંવાર કહેવામાં આવી રહ્યું હતું કે, પહેલા ચૂંટણી યોજાશે અને તેના પછી રાજ્યનો દરજ્જો મળશે. ચૂંટણી પંચના સૂત્રો અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ત્રણથી ચાર તબક્કામાં મતદાન યોજાઈ શકે છે. સપ્ટેમ્બરમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી ચાલુ મહિનાના અંત સુધીમાં પરિણામો જાહેર કરવામાં આવી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500