પલસાણાનાં માખીંગા પાસેથી ટેમ્પોમાં લઇ જવાતો રૂ.૨,૫૬,૩૨૦ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પોલીસે ચાલકની અટક કરી હતી, જયારે બે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પલસાણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે નવસારી તરફથી એક ટેમ્પો વિદેશી દારૂનો જથ્થો ભરી પસાર થઈ રહ્યો છે.
જેથી પલસાણા પોલીસે માખીંગા ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળો ટેમ્પો ત્યાંથી પસાર થતો હતો. ત્યારે તેને અટકાવીને તલાશી લેતા વિદેશી દારૂની ૧,૫૮૪ નાની બોટલો જેની કિંમત રૂપિયા ૨,૫૬,૩૨૦/- હાથ લાગી હતી. આમ, પોલીસે બોલેરો પીકઅપ ટેમ્પો ૫ લાખ, મોબાઇલ એક નંગ, અંગઝડતીમાંથી મળેલા રોકડા રૂ.૫૫૦ મળી કૂલ રૂપિયા ૭,૬૬,૮૭૦/-નો મુદ્દામાલ ઝડપી પાડી ટેમ્પો ચાલક વિવેક સંજય ભુરભુરા (રહે.રાઈપુર ગ્રામ પંચાયતની સામે, મહારાષ્ટ્ર)ની અટક કરી હતી. જયારે બુટલેગરો રિતેશ પંકજ પાંડે (રહે.ખાનવેલ દપાડા) અને ધર્મેન્દ્રને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500