Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહીની માંગ : ગુજરાત સરકારના 21 વિભાગોમાં કુલ 12 હજારથી વધુ ફરિયાદો, 1548 કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં લેવા ભલામણ

  • September 16, 2023 

ગુજરાત તકેદારી આયોગમાં આવેલી વિક્રમી ફરિયાદો સામે ભ્રષ્ટાચારીઓ સામે વિવિધ પ્રકારના પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે. સરકારના 21 વિભાગો સંદર્ભે એક વર્ષમાં આવેલી કુલ ફરિયાદો પૈકી 478 અને બોર્ડ-નિગમમાં 142 અધિકારી અને કર્મચારી સામે પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે. મહત્વનું છે કે, 20 કેસોમાં આયોગે ભ્રષ્ટાચાર અધિનિયમ પ્રમાણે ફોજદારી ધારા હેઠળ ગુનો થયો હોવાનું પ્રતિપાદિત થતાં જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના સત્રમાં રજૂ થયેલા તકેદારી આયોગના રિપોર્ટ પ્રમાણે આયોગે વિભાગોના 295 અધકારી અને કર્મચારી સામે શિસ્ત અને અપીલ નિયમો હેઠળ ભારે શિક્ષા કરવાની કાર્યવાહી કરવા તેમજ 54 અધિકારી સામે નાની શિક્ષાની કાર્યવાહી કરવા સૂચવ્યું છે.


એ ઉપરાંત પેન્શન કાપ માટે 44 અને 65 સામે અન્ય કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે. એવી જ રીતે જાહેર સાહસોમાં 96 સામે ભારે શિક્ષા, પાંચને નાની શિક્ષા, એક સામે પેન્શન કાપ અને 40 સામે અન્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. આમ કુલ 1548 અધિકારી અને કર્મચારી સામે શિસ્તભંગના પગલાં લેવાની ભલામણો સરકારને કરવામાં આવી છે. સરકારના વિભાગોની કચેરીઓ, બોર્ડ-નિગમ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવી 12608 પૈકી પ્રાથમિક તપાસ માટે 578 ફરિયાદો જે તે સરકારી વિભાગોમાં મોકલવામાં આવી છે. 678માં જરૂરી કાર્યવાહી કરવાની થાય છે. 8378 એવી ફરિયાદો મળી છે કે જેમાં તપાસ કરીને યોગ્ય કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે.



અરજદાર પાસે વધુ વિગતો માગવામાં આવી હોય તેવી અરજીની સંખ્યા 225 થવા જાય છે, જ્યારે આયોગે તથ્ય નહીં હોવાથી 2749 ફરિયાદો દફતરે કરી છે.રાજ્ય તકેદારી આયોગ સમક્ષ ફરિયાદો કરવાનું પ્રમાણ વધ્યું છે તે છેલ્લા ત્રણ વર્ષના આંકડાથી સ્પષ્ટ થાય છે. ભ્રષ્ટાચાર અને ગેરરીતિની સૌથી વધુ 2996 ફરિયાદો શહેરી વિકાસ વિભાગને લગતી હતી. બીજા ક્રમે 1735 ફરિયાદો મહેસૂલ વિભાગની હતી. ત્રીજા ક્રમે 1230 સાથે પંચાયત અને ચોથાક્રમે 1205 ફરિયાદો ગૃહ વિભાગની હતી. પાંચમા સ્થાને 923 સાથે ઉદ્યોગ વિભાગ આવે છે. બીજી તરફ જાહેર સાહસોમાં અનિયમિતતા અને ગેરરીતિઓની કુલ 549 ફરિયાદો મળી છે. જોકે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે પ્રાથમિક તપાસના કેસોમાં સરકારના વિભાગોનું ઉદાસિન વલણ રહ્યું હોવાથી ભ્રષ્ટાચારના કેસોમાં અક્ષમ્ય વિલંબ થયો હોવાથી આક્ષેપિતો સામે પગલાં ભરવામાં પણ વિલંબ થઇ રહ્યો છે.



મહત્વનું છે કે, સરકારી વિભાગોમાં જેટલું કરપ્શન થઇ રહ્યું છે તેટલું જ કરપ્શન બોર્ડ-નિગમની કચેરીઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જોવા મળી રહ્યું છે. અહેવાલના કેસોનું પૃથ્થકરણ કરતાં ફરી એકવાર એવું સામે આવ્યું છે કે, ભ્રષ્ટાચારમાં આજે પણ શિરમોર શહેરી વિકાસ વિભાગ છે, બીજા ક્રમે મહેસૂલ અને ત્રીજાક્રમે સરખા અંતરે પંચાયત અને ગૃહ વિભાગ આવે છે. પ્રાથમિક તપાસના કુલ 1981 પડતર કેસો પૈકી સૌથી વધુ સૌથી વધુ 442 મહેસૂલ, 361 શહેરી વિકાસ, 350 પંચાયત, 135 માર્ગ-મકાન, 100 ઉદ્યોગ, 84 આરોગ્ય અને 78 શિક્ષણ વિભાગના છે. તપાસ રિપોર્ટ વિચારણામાં હોવાની સંખ્યા 2425 છે, જ્યારે 1715 તપાસ રિપોર્ટનો નિકાલ કરવામાં આવ્યો છે. એસીબી હેઠળ કોર્ટમાં પડતર કેસોની સંખ્યા 2133 છે જે પૈકી 345 કેસો છેલ્લા 10 વર્ષથી પડતર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application